ડિસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને કાયદા મંત્રી પણ આવશે
શનિવારે બપોરે 2:30 વાગ્યે થશે લોકાર્પણ, 1:45 સુધીમાં કાર્યક્રમમાં એન્ટ્રી લઈ લેવાની થશે, મોડેથી એન્ટ્રી ન અપાઈ તેવી પણ શકયતા
કલેકટર પ્રભવ જોશીની જજ, એરપોર્ટના અધિકારીઓ, પ્રાંત સહિતના અધિકારીઓ સાથે બેઠક : એડિશનલ કલેકટર સહિતના અધિકારીઓએ આજે કોર્ટની સ્થળ મુલાકાત પણ લીધી
આગામી શનિવારે સુપ્રીમના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની રાજકોટની મુલાકાતને લઈને કલેકટર તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ડિસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને કાયદા મંત્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોય, તેવો પણ આવવાના હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
રાજકોટની ભાગોળે ઘંટેશ્વર ખાતે રૂ.110 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા કોર્ટ બિલ્ડિંગનું આગામી તા.6એ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. આ નવા બિલ્ડિંગમાં એકસાથે 52 કોર્ટ બેસશે. આ કોર્ટ બિલ્ડીંગના લોકાર્પણને લઈને જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ શનિવારે બપોરે 2:30 વાગ્યે લોકાર્પણ કાર્યક્રમ શરૂ થશે. રાજકોટના તમામ 3500 વકીલોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બધાને 1:45 એ એન્ટ્રી લઈ લેવાની રહેશે. ત્યારબાદ 2 પછી એન્ટ્રી બંધ કરવાની પણ વિચારણા ચાલી રહી છે.
આજે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ વકીલો સાથે મિટિંગ કરી હતી. જેમાં વકીલોએ એવું સૂચન આપ્યું હતું કે રાજકોટ બાર એસોસિએશન ઉપરાંત જિલ્લાના તમામ બાર એસોસિએશનના સભ્યોને આમંત્રણ આપવામાં આવે. મિટિંગમાં એવું પણ સૂચન થયું કે લો ફેકલ્ટીના સ્ટુડન્ટને પણ કાર્યક્રમમાં હાજર રહેવા દેવામાં આવે. વધુમાં આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ જજ પણ ઉપસ્થિત રહેવાના છે.
કાર્યક્રમ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કાયદા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને આમંત્રણ મોકલી દેવાયું છે. આ ત્રણેય નેતાઓની પણ ઉપસ્થિતી રહેવાની છે.
આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પણ આવશે.ગુજરાતનું આ કોર્ટનું પહેલુ બિલ્ડીંગ કે જેમનું ઉદ્ઘાટન ચીફ જસ્ટિસના હસ્તે થવા જઈ રહ્યું છે.
બીજી તરફ કલેકટર દ્વારા એરપોર્ટના અધિકારીઓ, પ્રાંત, જજ સાથે પણ તૈયારીઓ સંદર્ભે બેઠક કરી છે. આજે સવારે એડિશનલ કલેકટર ચેતન ગાંધી સહિતના અધિકારીઓએ સ્થળ વિઝીટ કરી છે. આમ હાલ અનેક વિભાગો આ લોકાર્પણ સમારોહની તૈયારીઓમાં લાગ્યા છે.
ચીફ જસ્ટિસ શુક્રવારે રાજકોટ આવશે, હીરાસરથી સોમનાથ અને દ્વારકા જશે, ત્યાંથી ફરી અહીં આવશે
સુપ્રીમના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ આગામી શુક્રવારે સાંજે 5:30 એ રાજકોટ આવશે. અહીં હીરાસર એરપોર્ટ ખાતે તેઓ આવશે ત્યારે સિવિલનો કોન્વે કાફલો હાજર રહેશે. ત્યાંથી હેલિકોપ્ટરમાં તેઓ સોમનાથ જવા રવાના થશે, ત્યારથી દ્વારકા જશે, દ્વારકામાં જ નાઈટ હોલ્ટ કરે તેવી શકયતા છે. ત્યારબાદ બીજે દિવસે તેઓ શનિવારે ફરી રાજકોટ આવશે. અહીં તેઓ કોર્ટનું ઉદઘાટન પ્રસંગમાં હાજરી આપશે.