આવતીકાલ સુધી હિયરિંગ ચાલશે, જમીનધારકોના કોઈ પ્રશ્ર્ન હોય તો તેનો સાંભળી હકારાત્મક અભિગમથી કરાશે નિકાલ

રેલવે ડબલિંગ પ્રોજેક્ટ માટેના જમીન સંપાદનના 50 કેસોનું ગ્રામ્ય પ્રાંત વિવેક ટાંક દ્વારા હિયરિંગ શરૂ કરવામાં આવ્યું છે. આવતીકાલ સુધી આ હિયરિંગ ચાલવાનું છે. જેમાં જમીનધારકોના કોઈ પ્રશ્ન હોય તો તેનો સાંભળી હકારાત્મક અભિગમથી નિકાલ કરાશે.

રાજકોટ-કાનાલુસ રેલ્વે ડબલિંગ પ્રોજેક્ટ માટે કુલ 44.65 હેક્ટર જમીન સંપાદિત થશે. જેમાં કુલ 13 ગામોની 21.50 હેક્ટર ખાનગી જમીન તેમજ 23.14 હેક્ટર સરકારી જમીન ઉપયોગમાં લેવાશે. આ માટે આખરી જાહેરનામા પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. હાલ આ સમગ્ર કામગીરી ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે.

ભારત સરકાર દ્વારા રાજકોટ- કાનાલુસ રેલ્વે સિંગલ લાઈનને ડબલ લાઈન કરવાના ખાસ પ્રોજેક્ટ માટે રાજકોટ તાલુકાના માધાપર, ઘંટેશ્વર, પરાપીપળીયા, પડધરી તાલુકાના જોધપર, મોવૈયા, રામપર, મોટા ચણોલ, મોટા હડમતીયા, ખંઢેરી, તરઘડી, નારણકા, વણપરી તથા પડધરી મળી કુલ 13 ગામોના 183 સર્વે નંબરોની ખાનગી 21.50 હેક્ટર જમીન તેમજ 77 સર્વે નંબરોની 23.14 હેક્ટર સરકારી જમીન મળી કુલ 260 સર્વે નંબરોની 44.65 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવશે. આ માટેના ભારત સરકારના આખરી જાહેરનામાની મુદત પૂરી થયે ખાનગી માલિકીની જમીનના વળતર અંગેના એવોર્ડ જાહેર કરવામાં આવશે.

111 કિલોમીટરના આ રેલવે ડબલીંગ પ્રોજેક્ટમાં રાજકોટ અને જામનગર જિલ્લાના જુદા જુદા ગામોના સમાવેશ થાય છે. આ  રેલવે ડબલ લાઈનથી અમદાવાદ તરફથી આવતી ટ્રેનોની સ્પીડ વધી જવાથી પેસેન્જરનો પ્રવાસનો સમય બે થી ત્રણ કલાક સુધીનો ઓછો થશે તેમ જ લાઈન પર આવતી જતી માલગાડીઓ પણ ખૂબ જ ઓછા સમયમાં માલની હેરફેર કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.