- આ કોલ સેન્ટર ગુજરાત સરકારની ટેકનોલોજી આધારિત ગ્રામ વિકાસની પ્રતિબદ્ધતાનું પ્રતિક: ગ્રામ વિકાસ મંત્રી
- ગ્રામ વિકાસ વિભાગ હેઠળની યોજનાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા આ કોલ સેન્ટર કાર્યરત કરાયું
ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી રાઘવ પટેલે ગ્રામ વિકાસ વિભાગના નવીન પ્રકલ્પ “રૂરલ ડેવલપમેન્ટ રિપોર્ટિંગ એન્ડ રિવ્યૂ” કોલ સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો. આ વેળાએ ગ્રામ વિકાસ વિભાગના સચિવ મનીષા ચંદ્રા ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ વિકાસ મંત્રીએ કોલ સેન્ટરના શુભારંભ પ્રસંગે કોલ સેન્ટરના કર્મચારીઓ અને ફોનલાઈનના માધ્યમથી ગ્રામ વિકાસ વિભાગની યોજનાના લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કર્યો હતો.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના વેગવંતા વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર દ્વારા ગામડાઓને સ્માર્ટ સોલ્યુશન સાથે જોડવામાં આવી રહ્યા છે. આ કોલ સેન્ટર રાજ્ય સરકારની ટેકનોલોજી આધારિત ગ્રામ્ય વિકાસની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. આ કોલ સેન્ટરના માધ્યમથી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ વધુ મંજબૂત બનશે, તેમ ગ્રામ વિકાસ મંત્રી રાઘવ પટેલે જણાવ્યું હતું.
ગ્રામ વિકાસ વિભાગ હેઠળની પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) અને સ્વચ્છ ભારત મિશન (SBM) જેવી મુખ્ય યોજનાઓની પારદર્શકતા અને કાર્યક્ષમતામાં સુધારો લાવવાના મુખ્ય હેતુ સાથે આ કોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. રૂરલ ડેવલપમેન્ટ રિપોર્ટિંગ એન્ડ રિવ્યૂ કોલ સેન્ટરના માધ્યમથી રાજ્ય સરકાર લાભાર્થીઓ પાસેથી રિયલ-ટાઇમ પ્રતિસાદ એકત્ર કરશે. આ પ્રતિસાદોના આધારે યોજનાના અમલીકરણમાં વધુ ચોકસાઈ આવશે, તેની કાર્યક્ષમતામાં પણ વધારો થશે તેમજ સરકાર અને નાગરિકો વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કોલ સેન્ટર પ્રતિદિન આશરે 1500થી વધુ કૉલ્સ સંભાળશે અને નાગરિકો પાસેથી મૂલ્યવાન પ્રતિસાદ એકત્ર કરશે. સાથે જ, વિવિધ યોજનાઓના લાભ યોગ્ય લાભાર્થી સુધી પહોંચ્યા કે કેમ તે સુનિશ્ચિત કરવા સતત મોનીટરીંગ કરશે. આ કોલ સેન્ટર રાજ્ય સરકારને સુનિશ્ચિત કરવામાં પણ મદદરૂપ થશે કે યોજનાઓ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે. આ પહેલ ગ્રામ્ય નાગરિકોને તેમની ચિંતાઓ અને સૂચનો દર્શાવવાની તક આપીને રાજ્યના સર્વાંગી વિકાસમાં યોગદાન આપશે.