જૂનાગઢમાં રૂ.૨૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦૦ બેડની સિવિલ
હોસ્પિટલનું લોકાર્પણ, કૃષિ યુનિવર્સિટીના પોલીટેકનીક ઈન એગ્રો પ્રોસેસીંગ બિલ્ડીંગ તેમજ નવી ફીશરીઝ કોલેજની ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમો
ગાંધીનગરમાં FSLના કાર્યક્રમ બાદ રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક
પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૨૪ જિલ્લામાં અંદાજીત રૂ.૧૭૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧.૧૫ લાખ આવાસના લાભાર્થીઓને ડિજિટલ માધ્યમ વડે ગૃહ પ્રવેશ કરાવતા મોદી
એક લાખથી વધુ બહેનોને ઘરની ભેટ આપી ભાઈ રૂપે સંતોષ અનુભવું છું: વલસાડમાં નરેન્દ્ર મોદી
દિલ્હીથી સરકારે આપેલો રૂપિયો હવે ગરીબના ઘરે પુરેપુરો પહોંચતો હોવાનું આજરોજ વલસાડના જુજવા ગામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ હેઠળ નિર્માણ પામેલા ૧.૧૫ લાખ આવાસોના ઈ-ગૃહ પ્રવેશ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું.
ગુજરાતની મુલાકાતે ફરીથી આવેલા વડાપ્રધાન મોદીએ જુજવા ગામ ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા વધુમાં ઉમેર્યું હતું કે, રક્ષાબંધનનો પવિત્ર તહેવાર થોડા દિવસોમાં છે. જે બહેનો મારી માટે રાખડી લઈને આવી છે તેમનો હું આભાર માનું છું. રક્ષાબંધનનો પર્વ હોય અને ગુજરાતમાં ૧ લાખથી વધુ બહેનોને પોતાના નામનું ઘર મળે તેનાથી મોટો ઉપહાર રક્ષાબંધનમાં ન હોય શકે.
જયારે પોતાનું ઘર હોય ત્યારે સ્વપ્ન સજજવા લાગે છે. જીવનમાં બદલાવ આવે છે. રક્ષાબંધન પહેલા એક લાખથી વધુ બહેનોને આ ઘરની ભેટ આપી તમારા ભાઈના રૂપમાં હું સંતોષ અનુભવું છું. આજે અન્ય એક પાણીની યોજના પણ બહેનો માટે ભેટ સોગાત છે જો પાણીની સમસ્યામાં કોઈએ સહન કરવું પડયું હોય તો તે માતા-બહેનો છે. હું મુખ્યમંત્રી હતો તે સમયે આ વિસ્તારમાં પાણીની સમસ્યાનો અંત લાવવાનું સ્વપ્ન જોયું હતું. હવે સ્વપ્ન સાકાર થતું દેખાઈ છે. ૨૦૦ માળ ઉંચી જેટલી ઉંચાઈએ પાણી પહોંચાડવામાં આવશે જે ટેકનોલોજીનો ચમત્કાર છે. જેમ ગીરના જંગલમાં એક મતદાન મથક એક મતદાતા માટે ઉભું કરવામાં આવે છે અને તે તમામ માટે અજુબો છે તેમ આ ૨૦૦ માળના બિલ્ડીંગ જેટલી ઉંચાઈએ પાણી પહોંચાડવું પણ અજુબો બની રહેશે તેવું મોદીએ કહ્યું હતું.
તેમણે પાણી પહોંચાડવા મામલે લાખા વણઝારાનું ઉદાહરણ ટાંકયું હતું. તેમણે કહ્યું હતું કે, જો કોઈ પાણીની પરબ બાંધે તો પણ તેને આદરથી જોવામાં આવે છે. આજે પણ લાખા વણઝારાની કથા લોકોની જીભે છે ત્યારે ગુજરાત સરકાર તો ઘરે-ઘરે પાણી પહોંચાડવાનું અભિયાન ચલાવી રહી છે.
વડાપ્રધાન મોદીએ સરકારની યોજનાના મકાનોની ગુણવતા સારી હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કટકી કંપની બંધ થઈ ગઈ એટલે હવે આવા સારા મકાનો બને છે. દિલ્હીથી નિકળેલો રૂપીયો ગરીબના ઘરે પુરો પહોંચે છે. હવે લાંચ રૂશ્વત નથી આપવી પડતી સરકારના પૈસા સાથે પરીવારનો પરસેવો પણ મકાન પાછળ ખર્ચાયો છે. સરકારી કોન્ટ્રાકટર ઉપર નહીં પરંતુ પરીવાર ઉપર વિશ્વાસ કરીને કામ કર્યું છે જેથી આટલા સારા મકાનો બન્યા છે. તેમણે ગુજરાતની પ્રજાનો આભાર માનતા કહ્યું હતું કે, તમે મને મોટો બનાવ્યો છે ઘણું શીખવ્યું છે હું સ્વપ્ન સમયબઘ્ધ રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. દરેક પાસે પોતાના ઘરનું ઘર હોય તેવું ભારત બનાવવાનું સ્વપ્ન છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધન દરમિયાન અટલ બિહારી બાજપાઈને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અટલ બિહારી બાજપાઈના નામ પરથી બનાવેલી સડક યોજનાને સમય મર્યાદામાં પૂર્ણ કરાશે. મોદીએ ચાલુ વર્ષે ગુજરાતના વરસાદ અંગે કહ્યું હતું કે, આ વર્ષે વરસાદ ધોધમાર આવે છે નકકર તો અઠવાડીયા સુધી આવતો જ નથી. ચાલુ વર્ષ ઉતમ જશે, કૃષિને લાભ થશે તેઓ મને વિશ્વાસ છે. અંતમાં વડાપ્રધાન મોદીએ તમામને રક્ષાબંધનની શુભકામના આપી આભાર માન્યો હતો.
વડાપ્રધાન મોદી ફરી એક વખત આજે ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટ પર ભારતીય વાયુદળના વિમાનમાં આવી પહોંચ્યા હતા. જયાં તેમનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સ્વાગત કર્યું હતું. સુરતી તેઓ વલસાડના જુજવા ગામ પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂ.૧૭૨૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૧,૧૫,૫૫૧ આવાસોના વિવિધ જિલ્લાના લાર્ભાીઓને સામૂહિક ઈ-ગ્રુહ પ્રવેશ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ ૫૦૦૦ મહિલાઓને ઉદ્યોગ સાથે જોડાણના સ્કીલ સર્ટીફીકેટ તેમજ નિમણૂંક પત્રોનું વિતરણ પણ મોદીએ કર્યું હતુ. વલસાડના ધરમપુર, કપરાડાના અંતરીયાળ ગામોને પીવાનું પાણી પહોંચાડવાની રૂ.૫૮૬ કરોડની પાણી પુરવઠા યોજનાના ભૂમિ પૂજનની તકતીનું અનાવરણ પણ તેમણે કર્યું. ત્યારબાદ વિશાળ જનમેદનીને મોદીએ સંબોધીને ત્યારબાદ તેઓ જૂનાગઢ જવા રવાના થયા.
જૂનાગઢમાં વડાપ્રધાન મોદીએ રૂ.૨૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦૦ બેડની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પોલીટેકનીક ઈન એગ્રો પ્રોસેસીંગ બિલ્ડીંગ, નવી ફીશરીઝ કોલેજના ગર્લ્સ હોસ્ટેલનું ઉદઘાટન કર્યું.
વડાપ્રધાન મોદીએ સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા મિલકત પ્રોસેસીંગ પ્લાન્ટનું લોકાર્પણ અને જૂનાગઢ મહાનગરપાલિકાના ૩ વિકાસ કામોના ભૂમિપૂજન-લોકાર્પણ કર્યા બાદ વિશાળ જાહેરસભા સંબોધી હતી.જૂનાગઢમાં રૂ.૪૫૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગર ખાતે રવાના થયા હતા. ત્યારબાદ સાંજે ૬ કલાકે તેઓ ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજર રહેવાના છે. જયાં તેઓ પદવી અને મેડલ એનાયત કરી દિક્ષાંત પ્રવચન આપશે. જયાંથી સાંજે ૭:૩૦ કલાકે રાજભવનમાં સોમના ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહેશે.
આ બેઠકમાં મોદી, અમિત શાહ, કેશુ બાપા અને અડવાણી પણ હાજર રહેશે. આ બેઠકમાં સોમના ટ્રસ્ટના સભ્યો વચ્ચે મહત્વની ચર્ચા થશે. વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસમાં સુરક્ષા જાળવવા જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એકલા જૂનાગઢમાં જ ૭ એસપી, ૧૬ ડીવાયએસપી તેમજ ૧૬૦૦ પોલીસ જવાનો સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. મોદીની મુલાકાત દરમિયાન લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને રાજકીય પરિસ્થિતિ બાબતે ભાજપના નેતાઓ સો ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.