પરિવાર સાથે સંબંધીના લગ્ન પ્રસંગમાં રાજસ્થાનના જોધપુર જતા ૨૦ દિવસ બંધ રહેલા મકાનમાં તસ્કરોએ ખાતર પાડયું
શહેરમાં ઠંડીનો પારો ગગડતા તસ્કરોની સિઝન શરૂ થઇ હોય તેમ ગીત ગુર્જરી સોસાયટીમાં આરટીઓ ઇન્સ્પેકટરના મકાનમાંથી રિવોલ્વર સહિતની મત્તાની થયેલી ચોરીનો પોલીસ ભેદ ઉકેલે તે પહેલાં જયરાજ પ્લોટમાં છેલ્લા ૨૦ દિવસથી બંધ રહેલા સોની કારીગરના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂા.૧૨.૪૩ લાખની મત્તાનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ રાજસ્થાનના જોધપુર ચોપારીની શ્યામ મનોહરનગરના વતની અને છેલ્લા સાતેક માસ પહેલાં રાજકોટમાં આવી પેલેસ રોડ પર જયરાજ પ્લોટ શેરી ૮માં ભાવેશભાઇ રમેશભાઇ પાટડીયાનું મકાન ભાડે રાખી સ્થાયી થયેલા સોની કારીગર વેણુગોપાલ શ્યામલાલ સોનીએ પોતાના બંધ મકાનમાંથી રૂા.૧૨.૪૩ લાખની મત્તાની ચોરી થયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વેણુગોપાલ શ્યામલાલ સોનીના રાજસ્થાનના જોધપુર ખાતે સંબંધીની પુત્રીના ગત તા.૨૨ નવેમ્બરે લગ્ન પ્રસંગ હોવાથી તેમની પત્ની અને બે પુત્ર સાથે કારમાં રાજસ્થાન ગયા હતા અને ગઇકાલે પરિવાર સાથે મોડીરાતે પરત આવ્યા તે દરમિયાન બંધ રહેલા મકાનનો દરવાજો ખુલ્લો હતો. દરવાજાના નકુચા તુટેલા હતા. મકાનમાં જઇ લાઇટ ચાલુ કરતા બેડરૂમનો તેમજ તિજોરીનો માલ સામાન વેર વિખેર જોવા મળતા તેઓ ચોરી થાયનું જાણ થતા એ ડિવિઝન પોલીસને ચોરીની ઘટના અંગે જાણ કરી હતી.
તસ્કરોએ તિજોરીમાંથી રૂા.૨.૧૦ લાખની ૬૦ ગ્રામની સોનાની ચુક, રૂા.૧૩,૫૦૦ની કિંમતનું પાંચ કિલો શુધ્ધ ઘી, રૂા.૩૦ હજારની કિંમતનો વિડીયો કોનનો કેમેરો, પત્ની શુભલક્ષ્મીના સોનાના બે સેટ, બે બુટી, હાથના કડડા, સોનાનું મંગલસુત્ર, સોનાની બે બંગડી, નાકની ચુક, સોનાની ૧૫ વીંટી મળી રૂા.૭.૩૫ લાખના સોનાના ઘરેણા, ચાંદીના છડા, ચાંદીનો કંદોરો, ભગવાનના ચાંદીના વાસણ મળી રૂા.૮૦ હજારના ઘરેણા તેમજ રૂા.૧.૭૫ લાખ રોકડા મળી રૂા.૧૨.૪૩,૫૦૦ની મત્તાની તસ્કરોએ ચોરી કર્યાનું વેણુગોપાલ સોનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
એ ડિવિઝન પી.આઇ. એન.કે.જાડેજા, પી.એસ.આઇ. એસ.વી.સાખડા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેલ હારૂનભાઇ ચાનિયા અને કોન્સ્ટેબલ મેરૂભા સહિતના સ્ટાફે જયરાજ પ્લોટ વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા તેમજ એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ લઇ તપાસ હાથધરી છે.
મવડીમાં સુરાપુરાના મંદિરમાંથી સોનાના છતર ચોરાયા
ચોરીના ગુનામાં સંડોવાયેલા તસ્કરની રૂા.૧.૨૦ લાખના ત્રણ છતર સાથે ધરપકડ
મવડી ગામમાં શિવમ પાર્કની બાજુમાં આવેલા સુરાપુરા વિરાબાપાના મંદિરને તસ્કરો નિશાન બનાવી રૂા.૧.૨૦ લાખની કિંમતના સોનાના ત્રણ છતર ચોરી ગયાની તાલુકા પોલીસમાં આલાપ રોયલ પાર્કમાં રહેતા મહેશભાઇ વલ્લભભાઇ મેઘાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એન.કે.રાજપુરોહિત અને એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમાએ ચોરીના ગુનામાં સંડોવાયેલા અશોક દવા પરમાર અને બિપીન લક્ષ્મીચંદ રાધનપુરા તસ્કરની ધરપકડ કરી રૂા.૧.૨૦ લાખની કિંમતના સોનાના છતર કબ્જે કર્યા છે.