આંગડીયા પેઢીના માલિકને આંતરીને બે બાઇક સવારો થેલાની ચિલઝડપ કરી નાશી છુટયા: નાકાબંધી
માંગરોળમાં ધોળે દિવસે આંગડીયા પેઢીના માલિકને આંતરી ૨૫ લાખની રોકડ ભરેલા થેલાની ચીલઝડપ કરી બે શખ્સો ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે. લોકોની ઓછી અવરજવરવાળા રસ્તે ઘટનાને અંજામ આપી આરોપીઓ શહેરની બહાર નીકળી વાડી વિસ્તારના રસ્તેથી અદ્રશ્ય થઈ ગયા હોવાનું અનુમાન છે. પોલીસે નાકાબંધી કરી હતી, પરંતુ સફળતા મળી ન હતી.
આ બનાવની પોલીસમાંથી મળતી વિગતો મુજબ :- શહેરના વિઠલાણી કોમ્પલેક્ષમાં પી.એમ. આંગડીયા પેઢી ધરાવતા હરેશભાઈ નગીનભાઈ ચોલેરા(ઉ.વ.૬૫)ને ગઈકાલે વેરાવળ રહેતા જમાઈ જીતેશભાઈ રૂપારેલીયાનો સાંજે ફોન આવ્યો હતો અને સવારે આંગડીયા પેઢીના હવાલાના રૂ. ૨૫ લાખ મોકલશે તેમ જણાવ્યું હતું. દરમ્યાન આજે સવારે વેરાવળ-માંગરોળની લોકલ બસમાં હરેશભાઈના વેવાઈ આ રકમ લઈ અહીં આવતા હતા. પોતાની આંગડીયા પેઢીના હવાલાના નાણાં સફેદ કલરના થેલામાં ભરી પોતાની મોટર સાયકલના આગળના ભાગમાં રાખી હરેશભાઈ બસસ્ટેન્ડથી વૃંદાવન સોસાયટીમાં આવેલા પોતાના ઘરે જઈ રહ્યા હતા.
એકાદ કિ.મિ. દૂર માંગરોળ મીલની પાછળની ગલીમાં ઉબડ ખાબડ વાળા રસ્તેથી પસાર થઈ રહ્મા હતા. તે સમયે અગાઉથી તેમનો પીછો કરી રહેલા કાળા કલરના યુનિકોન બાઈકમાં સવાર ૨૫ થી ૩૦ વર્ષ બે બાઈકસવારો તેમની નજીક આવ્યા હતા. મોઢે રૂમાલ બાંધેલા બંને શખ્સોએ લાગ જોઈ બાઈક ચાલકે બાઈક ધીમુ પાડતા જ લાલ કાળા રંગનું જેકેટ અને બ્લુ જીન્સ પહેરેલો પાછળ બેસેલો શખ્સ ચાલુ બાઈકે ઝડપથી ઉતરી હરેશભાઈના પગ પાસે રહેલો થેલો ઝૂંટવી, લુંટ કરી નાસી છૂટયા હતા.
ત્યારબાદ થોડે સુધી તેમનો પીછો કર્યો હતો. પરંતુ તે હાથ લાગ્યા ન હતા. આ અંગે પોલીસને જાણ થતા ડીવાયએસપી રવિ તેજા વાસમશેટ્ટીએ આજુબાજુના પોલીસ સ્ટેશનોને તાત્કાલિક સુચના આપી હતી. સોમનાથ, રાજકોટ, પોરબંદર સહિતના જીલ્લાઓમાં નાકાબંધી કરવામાં આવી હતી. જીલ્લા પોલીસ વડા સૌરભસિંહ પણ દોડી આવ્યા હતા. સીસટીવી ફૂટેજ, આરોપીઓને નજરે જોયેલા હોય તેવા લોકોની પુછપરછ સહિતની કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો હતો. સાંજ સુધી પોલીસકર્મીઓ આજુબાજુના અનેક ગામડાઓ ખૂંદી વળ્યા હતા. પરંતુ આ શખ્સોની કોઈ ભાળ મળી ન હતી. જીલ્લાભરમાં ચચાઁ જગાવનાર બનાવનીવધુ તપાસ પીએસઆઇ એ.બી.દેશાઈ ચલાવી રહ્યા છે.