તસ્કરોએ તિજોરી ઉઠાવી:રોકડ તફડાવી જનાર ચાર શખ્સો સીસીટીવીમાં કેદ
જામનગર શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી ચોરી અને મારામારી જેવા બનાવોમાં નોંધપાત્ર વધારા વચ્ચે રાજકોટ હાઈવે ઉપર આવેલા લેન્ડમાર્ક હોન્ડા કારનાં શો-રૂમનાં એકાઉન્ટની ઓફિસમાંથી તસ્કરો તિજોરી ઉઠાવી રોકડ રકમ રૂા.૬.૯૪ લાખની ચોરી કરી ગયાની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે અજાણ્યા ચાર શખ્સો સામે ગુનો નોંધી નાસી છુટેલા શખ્સોનું પગેરું દબાવ્યું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રાજકોટ માર્ગ પર આવેલા લેન્ડમાર્ક હોન્ડા કારનાં શો-રૂમમાં અજાણ્યા તસ્કરો ઘુસી જઈ એકાઉન્ટ રૂમનો તથા સર્વિસ મેનેજરનાં ચેમ્બરનાં દરવાજાનાં લોક તોડી એકાઉન્ટની ઓફિસમાંથી તિજોરી કાઢી લઈ જઈ તિજોરીમાંથી રૂા.૬.૯૪ લાખ રોકડ રકમ લઈ ગયાની કર્મચારી ભાવિકભાઈ, જગદીશભાઈ ખારોરે પંચ એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવની જાણ પીએસઆઈ એસ.પી.સોઢા અને ડોગસ્કોર્ડ તેમજ ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા અને ચાર શખ્સો કેમેરામાં કેદ થયા છે. પોલીસે સીસીટીવી ફુટેજનાં આધારે તસ્કરોનું પગેરૂ દબાવી હાથવેંતમાં હોવાનું કહેવાય છે.