છેલ્લા બે સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 11.7 બિલિયન ડોલરનો ઉછાળો નોંધાયો
ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ફરી એકવાર 600 બિલિયન ડોલરને સ્પર્શવાની આરે પહોંચી ગયો છે. 12 મે, 2023ના રોજ પૂરા થતા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 3.55 બિલિયન ડોલરના ઉછાળા સાથે 599.53 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે. છેલ્લા બે સપ્તાહમાં આરબીઆઇના વિદેશી મુદ્રા ભંડારમાં 11.7 બિલિયન ડોલરનો ઉછાળો આવ્યો છે. અગાઉ, 5 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 595.97 બિલિયન ડોલર હતું.
28 એપ્રિલ 2023 ના રોજ, વિદેશી વિનિમય અનામત 588.78 બિલિયન ડોલર હતું, જે હવે 600 બિલિયન ડોલરને સ્પર્શવાની આરે છે. એટલે કે માત્ર બે સપ્તાહમાં જ વિદેશી મુદ્રા ભંડારમાં લગભગ 11.7 બિલિયન ડોલરનો વધારો થયો છે. આરબીઆઈ દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, વિદેશી ચલણની સંપત્તિમાં 3.5 બિલિયન ડોલરનો વધારો થયો છે અને તે વધીને 529.59 બિલિયન ડોલર થઈ ગયો છે. ગોલ્ડ રિઝર્વમાં પણ વધારો થયો છે અને તે 38 મિલિયન ડોલરના ઉછાળા સાથે 46.35 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે. આઈએમએફમાં અનામત 28 મિલિયન ડોલર ઘટીને 51.64 બિલિયન ડોલર રહ્યું છે. અગાઉ ઓક્ટોબર 2021માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 645 બિલિયન યુએસ ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો.
ઑક્ટોબર 2021 પછી ઑક્ટોબર 2022 સુધી, વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન ડોલર સામે રૂપિયામાં ભારે નબળાઈ જોવા મળી હતી, જેના કારણે આરબીઆઈએ રૂપિયાને મજબૂત કરવા માટે પોતાના ફંડમાંથી ડોલર વેચવા પડ્યા હતા. ત્યારે વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 525 બિલિયન ડોલરના સ્તરે આવી ગયો હતો. પરંતુ વિદેશી રોકાણકારો ભારત પરત ફરી રહ્યા છે. વિદેશી રોકાણ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણમાં તેજીના કારણે વિદેશી મુદ્રા ભંડારમાં તેજી જોવા મળી રહી છે.
એપ્રિલ મહિનામાં નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે, આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે જો વિદેશી મુદ્રા ભંડાર વધશે, તો તે મેક્રો ઇકોનોમિક સ્થિરતાને મજબૂત કરશે. શુક્રવારે 19 મેના રોજ ડોલર સામે રૂપિયો 5 પૈસાના વધારા સાથે 82.66 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.