સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતીંગ ઉછાળો: પ્રથમવાર રૂપિયાએ ડોલર સામે 80ની સપાટી કૂદાવી
ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજીનો ટોન જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળા રહ્યા હતા. બૂલીયન બજારમાં મંદીનો માહોલ રહ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ યથાવત છે. આજે પ્રથમવાર રૂપિયાએ ડોલર સામે 80ની સપાટી કૂદાવી હતી.
જો કે થોડીવાર બાદ રિક્વરીનો દૌર પણ શરૂ થતાં ફરી રૂપિયો 80ની અંદર આવી ગયો હતો. સપ્તાહના આરંભે પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજીનો તોખાર રહ્યા બાદ આજે સતત બીજા દિવસે બજાર તેજીમાં જોવા મળી હતી. રોકાણકારોએ વિશ્ર્વાસ સાથે ખરીદીનો દૌર શરૂ કરતા બજારમાં તેજી જળવાઇ રહેવા પામી હતી. આજે અમેરિકી ડોલર સામે રૂપિયો 80.06ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો.
પ્રથમવાર રૂપિયાએ 80ની સપાટી ઓળંગતા આગામી દિવસોમાં મોંઘવારી વધુ વકરે તેવી સ્થિતિ પણ નકારી શકાતી નથી. રૂપિયાના એકધારા ધોવાણથી રોકાણકારો પણ મુંઝવણમાં મુકાઇ ગયા છે. સેન્સેક્સે આજે ઇન્ટ્રાડેમાં 54782.25ની સપાટી હાંસલ કરી હતી.
જ્યારે 54232.82ના નીચલા લેવલ સુધી સરખી ગયો હતો. જ્યારે નિફ્ટીએ 16347.90ની સપાટીને હાંસલ કર્યા બાદ 16587.05ના લેવલ સુધી નીચે સરકી ગઇ હતી. એક તબક્કે બજાર થોડું રેડ ઝોનમાં પણ ગરકાવ થઇ ગયું હતું. જો કે ત્યારબાદ રોકાણકારોએ ઉત્સાહ સાથે ખરીદી કરતા ફરી બજારમાં તેજી પરત ફરી હતી.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 226 પોઇન્ટના ઉછાળા સાથે 54747 અને નિફ્ટી 58 પોઇન્ટના ઉછાળા સાથે 16336 પર કામકાજ કરી રહ્યા છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 5 પૈસાની મજબૂતી સાથે 79.92 પર ટ્રેડ કરી રહ્યો છે.