રૂપિયો ઝડપથી તૂટતાં પેટ્રોલ-ડીઝલ, સોના-ચાંદી સહિત ઇલેકટ્રોનિક્સ ગુડ્ઝની આયાત પડતર વધુ મોંઘી થવાની શક્યતા
સપ્તાહના અંતિમ દિવસે ડોલર સામે રૂપિયામાં વધુ ઘટાડાની ચાલ જોવા મળી હતી. રૂપિયો આજે શરૂઆતે ૭ પૈસા તૂટી ૬૯.૧ર સપાટીએ ખૂલ્યો છે. આમ, આજે શરૂઆતે ઐતિહિા્સક નીચે સપાટીએ ખૂલ્યો હતો. નોંધનીય છે કે ગઇ કાલે ડોલર સામે રૂપિયો ૪૩ પૈસા તૂટી છેલ્લે ૬૯.૦પના મથાળે બંધ જોવા મળ્યો હતો.
બે દિવસમાં રૂપિયો પ૦ પૈસા ઘટ્યો છે. વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સની મજબૂતાઇ તથા સ્થાનિક મોરચે સરકાર સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તના પગલે રૂપિયામાં તોફાની ઘટાડાની ચાલ જોવા મળી હતી.
બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નિકાસની સામે વધતી આયાત તો બીજી બાજુ વિદેશી રોકાણ ઘટી રહ્યું છે તેવા બહાર આવેલા સમાચારોના પગલે પણ રૂપિયામાં ઘટાડાની ચાલ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે એક જ દિવસમાં જોવા મળેલો ૪૩ પૈસાનો ઘટાડો ર૯ મે બાદનો સૌથી મોટો ઘટાડો છે.
બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ચાલુ મહિનાના અંતમાં યુએસ ફેડરલ રિઝર્વની મિટિંગ મળી રહી છે, જેમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તેના પગલે રૂપિયામાં વધુ નરમાઇની ચાલ જોવા મળી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રૂપિયો ઝડપથી તૂટતાં પેટ્રોલ-ડીઝલ, સોના-ચાંદી સહિત ઇલેકટ્રોનિક્સ ગુડ્ઝની આયાત પડતર વધુ મોંઘી થશે.