શેરબજારમાં મંદીનું વાવાઝોડુ: સેન્સેકસ અને નિફટીમાં તોતીંગ કડાકા
અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું એકધારુ ઘોવાણ થઇ રહ્યું છે. આજે પ્રથમ વાર રૂપિયો ડોલર સામે 81ની સપાટી કુદાવી 81.12ની સપાટીએ પહોચી જતા આગામી દિવસોમાં મોંધવારી માઝા મૂકે તેવી દહેશત વર્તાય રહી છે. રૂપિયો તુટતા શેરબજારમાં મંદીનું વાવાઝોડુ ફુંકાયું હતું. સેન્સેકસ અને નિફટી ઉંધા માથે પટકાતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મંદીએ જાણે ચોતરફ ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. બુલીયન બજારમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો હતો.
ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે ગઇકાલે રેકોર્ડ બ્રેક 80.91 ની સપાટીએ બંધ રહ્યા બાદ આજે પણ ડોલર સામે રૂપિયાનું ઘોવાણ થયાવત રહ્યું હતું. આજે ઉધડતી બજારે રૂપિયો 81.22 ની સપાટીએ પહોંચી ગયો હતો. પ્રથમવાર રૂપિયાએ 81 ની સપાટી કુદાવતા રોકાણકારોના પુંઠા નીકળી ગયા છે. બુલિયન બજારમાં કડાકા જોવા મળ્યા હતા. રૂપિયો 81.22 ની ઐતિહાસિક સપાટીએ પહોંચી જતાં આગામી દિવસોમાં મોંધવારીનો રાક્ષસ માજા મૂકી તેવી દહેશત પણ વર્તાય રહી છે.
81.22 ની સપાટીએ પહોંચી ગયા બાદ થોડી રિકવરી જોવા મળી હતી. અમેરિકાની ફેડરલ બેન્ક દ્વારા વ્યાજદરોમાં કરવામાં આવેલા તોતીંગ વધારા અને ડોલર સામે રૂપિયાના ઘોવાણના કારણે ભારતીય શેર બજારમાં શરુ થયેલી મંદી આજે વિકરાળ બની હતી. સપ્તાહના અંતિમ દિવસે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટીમાં તોતીંગ કડાકા બોલી ગયા હતા. સેન્સેકસે 59 હજારની સપાટી તોડી હતી. અને 58406.43 ના નીચલા લેવલ સુધી પહોંચી ગયો હતો. જયારે નિફટીએ પણ 17500 ની સપાટી તોડી હતી અને 17419.30 ના નીચલા લેવલે પહોંચી ગઇ હતી.
બુલીયન બજારમાં પણ મંદિ રહેવા પામી હતી. સોના તથા ચાંદીના ભાવ તુટયા હતા. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 610 પોઇન્ટના ઘટાડા સાથે 58509 અને નિફટી 181 પોઇન્ટના ઘટાડા સાથે 17447 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે આજે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ર3 પૈસાની નરમાશ સાથે 81.09 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે.