ડોલર ઇન્ડેક્સ વિશ્વની ટોચની છ કરન્સી સામે 19 વર્ષની ટોચે : રૂપિયો 79.36ના નવા તળિયે
ડોલર ઇન્ડેક્સ વિશ્વની ટોચની છ કરન્સી સામે 19 વર્ષની ટોચે અને યુરો સામે 20 વર્ષની ટોચે પહોંચતા તેની અવળી અસર વિશ્વની ઇમર્જીંગ માર્કેટની કરન્સીઓને થઈ હતી. ડોલરની માગ વધતા રૂપિયો 41 પૈસા ઘટીને 79.36ના નવા તળિયે ગબડ્યો હતો. ડોલર સામે ભારતીય કરન્સી 79.04ની સપાટીએ ખુલ્યા બાદ વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં ડોલર ઇન્ડેક્સ વધીને 106.31 ડોલરની 19 વર્ષની ટોચે પહોંચતા રૂપિયો પણ નીચે સરકીને નીચામાં 79.38 થઇને છેલ્લા 79.36 રહ્યો હતો.
વર્ષ 2022માં અમેરિકન કરન્સી સામે ભારતીય ચલણમાં લગભગ 7 ટકાનું ધોવાણ થયું છે. ભારતની જુન મહિનામાં વ્યાપાર ખાધ 16.78 ટકા વધીને 37.94 અબજ ડોલરની સપાટીએ પહોંચી હતી. વ્યાપાર ખાધ વણસતા કરંટ એકાઉન્ટ ડેફિસિટ ખોરવાવાની ભીતિને કારણે પણ રૂપિયા પર દબાણ વધ્યું છે. બીજી તરફ એશિયન અને ઇમર્જીંગ માર્કેટની કરન્સીમાં પણ છેલ્લા છ મહિનામાં ડોલર સામે આઠથી 22 ટકા સુધીનું ધોવાણ થતાં રિઝર્વ બેન્કની કરન્સીને ટકાવવાની દરમિયાનગીરી ઘટી છે. આને કારણે છેલ્લા એક સપ્તાહમાં રૂપિયો સતત ઘસાતો રહ્યો છે.
વૈશ્વિક અર્થતંત્ર મંદીમાં સરકવાની ભીતિ અને અમરિકા ચીન સાથે વ્યાપાર સંબધોને સુધારવાના પગલાં જાહેર કરે તેવી સંભાવનાઓએ પણ ડોલરની માગ વધી હોવાનું ફોરેક્સ માર્કેટ સાથે સંકળાયેલા વર્ગનું કહેવું હતું.આગામી ટ્રેડિંગ દિવસોમાં 79.50-80ની રેન્જમાં રહેવાની આગાહી કરવામાં આવે છે. દરમિયાન બ્રેન્ટ ક્રૂડના ભાવ સાધારણ ઘટીને 112 ડોલરની સપાટીએ ટ્રેડ થતાં હતા.
કરન્સીની વેલ્યુ ફોરેકસ રિઝર્વ ઉપરાંત અન્ય અનેક પાસાઓ ઉપર આધારીત
રૂપિયાની કિંમત ઘણી બાબતો પર નિર્ભર હોય છે. જેમ કે, મોંઘવારી, રોજગારી, ઈક્વિટી માર્કેટનો ઉતાર-ચઢાવ, ગ્રોથ રેટ, વ્યાપારિક ખોટ, ફોરેન રિઝર્વ, વ્યાજ દરો વગેરે જેવા ફેક્ટરો રૂપિયાની કિંમતને અસર કરે છે. સરળ ભાષામાં વાત કરીએ તો આ તમામ બાબતો ફોરેન રિઝર્વ પર આધાર રાખે છે. જો કોઈ દેશમાં ફોરેન રિઝર્વ વધુ હોય તો તે દેશની કરન્સી મજબૂત હશે. પરંતુ, જો તે દેશનાં ફોરેન રિઝર્વમાં ઘટાડો થાય તો તેની કરન્સીનાં રેટમાં પણ ઘટાડો આવે. ફોરેન રિઝર્વ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ પર નિર્ભર હોય છે.
જો કોઈ દેશ ઈમ્પોર્ટ વધુ કરતો હોય, એટલે કે વિદેશમાંથી વધુ વસ્તુ ખરીદતો હોય તો તેનાં ફોરેન રિઝર્વમાં ઘડાટો થાય છે સાથોસાથ તેની કરન્સીની વેલ્યૂમાં પણ ઘટાડો થાય છે. પરંતુ જો કોઈ દેશ એક્સપોર્ટ વધુ કરતો હોય એટલે કે બહાર વધુ વસ્તુઓ વેચતો હોય તો તે દેશમાં ફોરેન રિઝર્વ વધે છે. જેને કારણે તેની કરન્સી પણ મજબૂત બને છે. જો કે નિકાસ વધું હોય તેવા દેશોએ ફોરેકસ રિઝર્વ વધારવું પડતું નથી. એક્સપોર્ટને કારણે આપોઆપ ફાયદો થતો રહે છે. પરંતુ તેમાં પણ સરકારે બેલેન્સ જાળવવું પડે છે. કારણ કે જો કોઈ દેશની કરન્સી મજબૂત હોય તો બહારનાં દેશો તેની પાસેથી માલ ઓછો ખરીદશે. જેને કારણે એક્સપોર્ટમાં ઘટાડો થાય છે.
1997થી ડોલરના પ્રમાણમાં યુએઇના દીરહામની કિંમતમાં એક પૈસાનો પણ વધારો ઘટાડો થયો નથી!!!
આશ્ચર્યની વાત છે કે વર્ષ 1997થી ડોલરના પ્રમાણમાં યુએઈના દિરહામની કિંમતમાં એક પૈસાનો વધારો કે ઘટાડો થયો નથી. જેની પાછળનું કારણ યુએસ અને યુએઇની એક ગેઇમ છે. બન્ને દેશોએ પોતાના ફાયદા માટે 1997માં પોતાના મૂલ્યમાં સ્થિરતા રાખવાનું નક્કી કર્યું અને જે હાલ સુધી કાયમ છે. યુએઇ ફ્રી ટ્રેડ, ફ્રી પોર્ટ સહિતની પોલીસી ધરાવે છે. માટે તેની સાથે વ્યાપારમાં જોડાઈ રહેવું એ યુએસએ માટે જરૂરી છે. આ માટે જ વર્ષોથી એક ડોલર સામે દીરહામની કિંમત 3.67 યથાવત રહી છે.
વિપરીત પરિસ્થિતિમાં પણ રશિયાની કરન્સી કેમ આટલી મજબુત ?
યુદ્ધ છેડવાના કારણે લગભગ તમામ પશ્ચિમી દેશોએ યુદ્ધની શરૂઆતથી જ રશિયા પર ભારે આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. રશિયન અબજોપતિઓની મિલકતો પણ જપ્ત કરવામાં આવી હતી. રશિયાના વેપાર પર અંકુશ લગાવવાના પણ પગલાં લેવાયા છે. રશિયાની કરન્સી રૂબલે આટલા બધા પ્રતિબંધોનો સામનો કરવા છતાં પોતાનામાં જબરદસ્ત સુધારો કર્યો છે અને તે ઊંચાઈના શિખરે છે.
વર્ષ 2022 માં, રૂબલ વિશ્વની શ્રેષ્ઠ પ્રદર્શન કરતી કરન્સીમાં મોખરે હતું અને વર્ષની શરૂઆતથી તે ડોલર સામે 11 ટકા વધુ મજબૂત હતું. પણ પછી પશ્ચીમો પ્રતિબંધોને કારણે રૂબલ ડોલર સામે તૂટીને 150ની કિંમતે પહોંચી ગયો હતો. પશ્ચિમી પ્રતિબંધોને ટાળવા માટે, રશિયાએ રૂબલને બચાવવા માટે વિવિધ પ્રકારના રક્ષણાત્મક પગલાં રજૂ કર્યા. હવે તેના પરિણામો દેખાવા લાગ્યા છે. અત્યારે ડોલર સામે રૂબલ 69ની કિંમતે પહોંચ્યો છે. રૂબલ મજબૂત હોવાનું મુખ્ય એક કારણ એ છે કે રશીયા પાસે કુદરતી ભંડારો વિપુલ પ્રમાણમાં છે. સોનાની ખાણો, ક્રૂડનો જથ્થો, ગેસનો જથ્થો આ બધું રશિયામાં મોટા પ્રમાણમાં છે. એટલે રશિયાએ અર્થતંત્રના સુધારા માટે માત્ર વધુ ગ્રાહક જ શોધવા પડે છે.
1 ડોલર સામે રૂપીયાની કિંમત
વર્ષ ……………….રૂપીયા
1947 ……….. 4.16
1952……….. 4.76
1957 ………..4.76
1962 ………..4.76
1967 ………..7.50
1972 ………..7.59
1977 ………..8.75
1982 ………..9.46
1987 ………..12.96
1992 ………..25.92
1997 ………..36.31
2002 ………..48.61
2007 ………..41.35
2012 ………..53.44
2017 ………..67.79
2022 ………..79.36