બે દિવસ પૂર્વે ડોલર સામે 82ની સપાટીએ સ્પર્શવા જતો રૂપિયો 50 પૈસા જેટલો મજબૂત થયો
રૂપિયા- ડોલરની લડાઇ જામી રહી છે. બે દિવસ પૂર્વે ડોલર સામે 82ની સપાટીએ સ્પર્શવા જતો રૂપિયો 50 પૈસા જેટલો મજબૂત થયો છે. હાલ રૂપિયો 81.50 આસપાસ ટ્રેન્ડ કરી રહ્યો છે.
ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે મજબૂત ખુલ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો 8 પૈસાની મજબૂતી સાથે 81.58 રૂપિયાના સ્તરે ખૂલ્યો હતો. બીજી તરફ, ગુરુવારે ડોલર સામે રૂપિયો 22 પૈસા મજબૂત થઈને 81.63 રૂપિયા પર બંધ થયો હતો.
રૂપિયાની કિંમત ડોલર સામે તેની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. સાથે જ દેશની આયાત-નિકાસ પર પણ તેની અસર પડે છે. દરેક દેશ તેના વિદેશી મુદ્રા ભંડારને જાળવી રાખે છે. આની મદદથી તે દેશમાં આયાત થતા માલની ચૂકવણી કરે છે. દર અઠવાડિયે રિઝર્વ બેંક આને લગતા ડેટા જાહેર કરે છે. વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ શું છે અને તે દરમિયાન દેશમાં ડોલરની માંગ શું છે તે પણ રૂપિયાની મજબૂતાઈ કે નબળાઈ નક્કી કરે છે.
દેશને તેની જરૂરિયાતના લગભગ 80 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરવી પડે છે. ભારતે આમાં ઘણા બધા ડોલર ખર્ચવા પડે છે. તેનાથી દેશના વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ આવે છે, જે બદલામાં રૂપિયાના મૂલ્યને અસર કરે છે. ડોલર મોંઘો થાય તો ઉંચી કિંમત ચૂકવવી પડે છે અને ડોલર સસ્તો થાય તો થોડી રાહત મળે છે. દરરોજ આ ઉથલપાથલથી ડોલર સામે રૂપિયાની સ્થિતિ બદલાય છે.