કેન્દ્ર જે નિર્ણય લ્યે તેનું રાજય સરકાર સંપૂર્ણપણે પાલન કરશે: મુખ્યમંત્રી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની વિડીયો કોન્ફરન્સ બેઠકમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના કારણે લાદવામાં આવેલા લોકડાઉનને ક્રમશ: ખોલવાનું સુચન કર્યું હતુ. ૩ મે બાદ લોકડાઉન વધારવાનો નિર્ણય કરવામાં આવે તો નાનાવેપારીઓ રોજેરોજનું કમાઈ ખાનારા, શ્રમિકોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવે તેવું મુખ્યમંત્રીએ સુચન કર્યું હતુ.
વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે રાજયમાં બે તબકકો લોકડાઉન કરાયું છે હવે ૩મેના રોજ લોકડાઉન પૂરૂ થાય છે ત્યારે લોકડાઉન ઉઠાવવાનું જોઈએ કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવાશે તેનો રાજય સરકાર પૂરેપૂરો અમલ કરશે.
લોકડાઉન ઉઠાવવાનો નિર્ણય લેવાશે તેમાં જે તે જિલ્લામાં કોરોનાના કેટલા કેસ છે. તેને ધ્યાનમાં રાખીને જ તબકકાવાર લોકડાઉન ઉઠાવવામાં આવશે તેમ મુખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્ર્વિનીકુમારે જણાવ્યુ હતુ.
કોરોના સામેના જંગમાં દેશમાં ૨૪ માર્ચથી ૨૧ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતુ બાદમાં ૩ મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેન્દ્રના નિર્ણય અનુસાર રાજય સરકારે રાજયમાં લોકડાઉન લંબાવ્યું હતુ રાજયમાં ૩ મે સુધી લોકડાઉન ચાલુ છે આગામી સમયમાં લોકડાઉન લંબાવવું કે કેમ? લોકડાઉન પૂર્ણ ઉઠાવવું તો કેવી રીતે ઉઠાવવું ? તે અંગે રાજયોના મુખ્યમંત્રીઓ પાસેથી વિગતો સૂચનો જાણવા વડાપ્રધાને ગઈકાલે મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાને ગઈકાલે ચોથીવખત વિડિયો કોન્ફરન્સ યોજી હતી.
બેઠકમાં અલગ અલગ રાજયોનાં મુખ્યમંત્રીઓએ પોતાના રાજયની સ્થિતિ અંગે તથા લોકડાઉન લંબાવવા કે ક્રમશ હટાવવા વિવિધ સુચનો કર્યા હતા. આ કોન્ફરન્સમાં રાજયનાં મુખ્યમંત્રીએ નાના વેપારીઓ શ્રમિકોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય કરવા સુચનો કર્યા હતા.
કોરોનાની સારવારમાં આયુર્વેદિક દવાનો પ્રયોગ હાથ ધરતી ગુજરાત સરકાર
કોરોનાની સારવાર માટે રાજય સરકારે આયુર્વેદિક દવાનો પ્રયોગ હાથ ધર્યો છે તેમ રાજયનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતુ. જયંતિ રવિએ જણાવ્યું હતુ કે રાજયમાં આયુષ સારવાર અભ્યાસ હેઠળ કોરોના હોટસ્પોટ અમદાવાદના કોરોનાના ૭૫ શંકાસ્પદ દર્દીઓને આયુર્વેદિક દવાઓ આપવામાં આવી છે. અને તેમને સાજા થવામાં કેટલો સમય લાગે છે તે અંગેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. રાજયમાં અમે કોરોનાના શંકાસ્પદ અને કોરેન્ટશઈન કરેલા ૭૭૭૮ દર્દીઓને આયુર્વેદિક દવાઓ આપી હતી તેમાંથી માત્ર ૨૧ દર્દીઓ જ કોરોના પોઝીટીવ જણાયા હતા. અમદાવાદમાં કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાયો છે. અને મૃત્યુ દર ૪.૭૧ ટકા છે જે દેશના સરેરાશ કોરોનાના મૃત્યુઆંકથી ધણો વધારે છે. રાજયનાં સૌથી મોટા શહેર અમદાવાદમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૨૧૬૭ કોરોનાના કેસ નોંધાયા છે અને અમદાવાદમાં કોરોનાથી ૧૦૨ લોકોના મોત થયા છે. જયંતિ રવિએ એક વિડીયો સંદેશમાં જણાવ્યું હતુ કે આયુષ યોજના હેઠળ આયુર્વેદિક દવાનો પ્રયાગે કરવામાં આવી રહ્યો છે.
કોરોનાના શંકાસ્પદ દર્દીઓને અમદાવાદની હોસ્પિટલના કોવિદ કેર સેન્ટરમાં દાખલ કરાયા છે. જે પૈકી ૭૫ દર્દીઓ આયુર્વેદિક સારવાર માટે સહમત થયા તેમને આયુર્વેદિક સારવાર અપાઈ હતી જેમાં તેમની સ્થિતિ સુધરી રહી છે. આ ૭૫ દર્દીઓને દશમુલ કવાથ, ત્રિકુટુ ચૂર્ણ, સંશમણીલક્ષ આપવામાં આવી રહી છે અને તુલ્સી, લીમડો, હળદર જેવી વસ્તુઓનો ખોરાકમાં ઉપયોગ થઈ રહ્યો છે. લોકોની રોગપ્રતિકારક શકિત વધારવા માટે રાજયનાં આયુર્વેદિક અને હોમીયોપેથી દવાખાના મારફત ૧.૨૬ કરોડ લોકોને આયુર્વેદિક દવા ‘ઉકાળા અમૃતપેર્ય’નું વિતરણ કરવામાં આવ્યું હતુ તેમ આયુષ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતુ.