પાંચ વર્ષમાં રૂપાણી સરકારે રોજ એક પ્રજાલક્ષી નિર્ણય લીધો: રાજ્યમાં પાણીનો પ્રશ્ર્ન ભૂતકાળ થયો, સડકો મુલાયમ બની, છેવાડાના માનવી સુધી વિકાસના મીઠા ફળો પહોંચ્યા
રાજ્યની સંવેદનશીલ, પ્રજાભિમુખ પારદર્શક વહિવટ કરતી રૂપાણી સરકારના રાજમાં પાંચ વર્ષમાં 10 લાખ કરોડથી વધુના રૂડા વિકાસ કામો સાકાર થયા છે. મુખ્યમંત્રી પદે સત્તારૂઢ થયા બાદ વિજયભાઈ રૂપાણીએ પ્રતિદિન એક પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. કોરોના કાળમાં પણ તેઓએ વિકાસને ઉની આંચ આવવા દીધી નથી. સૌની યોજનાના પાણી છેવાડાના ગામો સુધી પહોંચાડી પાણી પ્રશ્ર્ન કાયમી માટે હલ કરી દીધા છે. રાજ્યની સડકો મુલાયમ બની ગઈ છે. વિકાસ માત્ર કાગળ પર ન રહેતા જમીન પર ઉતર્યા છે.
રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં હાલ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા આઠ દિવસથી સેવાકાર્યો સાથે સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. પારદર્શક વહિવટ અને ત્વરિત નિર્ણય શક્તિના કારણે રૂપાણી રાજમાં પાંચ વર્ષના ટૂંકાગાળામાં 10 લાખ કરોડથી પણ વધુના વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. 1800 દિવસમાં સરકારે પ્રજા દિવસ એક પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. 1800 જેટલા નિર્ણય લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિકાસ દિવસની ઉજવણી અંતર્ગત જણાવ્યું હતું કે, આજે ગુજરાત સરકારનું બજેટ 2.25 લાખ કરોડ છે.
કોંગ્રેસના શાસનમાં વર્ષ આખાનું બજેટ 8 થી 9 હજાર કરોડ રૂપિયા રહેતું હતું અને યોજનાઓ એક દશકા સુધી ફાઈલોમાંથી બહાર નીકળી શકતી ન હતી. આજે એક શહેરમાં હજારો કરોડના વિકાસ કામો થઈ રહ્યાં છે. રૂપાણી સરકારે ક્યારેય વોટ બેન્કની રાજનીતિને મહત્વ આપ્યુ નથી. રાજ્યના સર્વાંગી વિકાસને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેના કારણે આજે ખરા અર્થમાં રાજ્યમાં વિકાસ ગાંડો થયો છે. માત્ર વાતો નહીં પરંતુ જમીનીસ્તર પર વિકાસ કામો થઈ રહ્યાં છે. મુખ્યમંત્રી કે રાજ્ય સરકારના જે મંત્રીઓ દ્વારા વિકાસ કામોનું ભુમિપૂજન કરવામાં આવે છે તેનું લોકાર્પણ પણ તેઓના હસ્તે જ કરવામાં આવે છે. જે પ્રસ્થાપિત કરે છે. રૂપાણી સરકાર સંપૂર્ણપણે વિકાસને વરેલી છે.
પ્રધાનમંત્રીએ નર્મદાનો પ્રશ્ન ઉકેલીને ગુજરાતના વિકાસ દ્વ્રારો ખોલ્યા છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતો, આદિવાસીઓ, બેરોજગારો, સાગરખેડુ વિકાસ, વનબંધુ યોજના-2, સોલાર, ટુરીઝમ, અનેક ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવ્યું છે. દેશના દરિયા કિનારે વસતા સાગરખેડુઓ વિકાસ અને ઉથ્થાન માટે રૂા.50,000 કરોડ અને વનવાસીઓના વિકાસ અને ઉથ્થાન માટે રૂા.1,00,000 કરોડની વનબંધુ યોજનાની અમલવારી ચાલુ કરવામાં આવી છે.
કચ્છમાં 30 હજાર મેગા વોટનો એનર્જી પાર્ક બનાવવાની કામગીરી ચાલુ છે જે 2030 સુધીમાં પૂર્ણ થતા તે દુનિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક કાર્યરત થશે. કેવડીયા ખાતે વર્લ્ડ ટુરીઝમ ક્ષેત્રે અનેરું સ્થાન પામે તેવા સ્ટેચ્યુ ઓફ યુનીટીની રોજ 40,000 પ્રવાસીઓ મુલકાત લે છે. દ્વારકા પાસે શિવરાજપુર બીચનું પણ ડેવલોપમેન્ટ થઇ રહ્યું છે. તો ધોલપુર, ચાંપાનેર વગેરે વર્લ્ડ હેરીટેજમાં સ્થાન પામ્યા છે. દસેય દિશામાં વિકાસ થઇ રહ્યો છે. અમોએ સતાને સેવાનું સાધન માન્યું છે. ભોગવવાનું નહિ. અને તેના કારણે જ છેલ્લા 05 વર્ષમાં રાજ્યનો હેપીનેશ ઇન્ડેક્સ ખૂબ ઉંચો ગયો છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રાજ્યના 34000થી વધુ ગામો પરાઓને કુલ રૂા.17,196 કરોડની રકમના પ3,250 કિ.મી. લંબાઇના 20,486 રસ્તાઓના કામોને મંજુરી આપી છે. ગુજરાત સરકાર દ્વારા સિંચાઇ સુવિધા વધારવા, સિંચાઇમાં પડતી તકલીફો દુર કરવા માટે તથા હયાત સિંચાઇ સુવિધાના સુદ્રઢીકરણ માટે છેલ્લા પાંચ વર્ષમાં સમગ્ર રાજ્યમાં વિવિધ કામગીરીઓ હાથ ધરેલ છે.
જેમાં જળસંચયના કામો માટે સુજલામ સુફલામ જળ અભિયાન, આદિજાતિ વિસ્તારોમાં વનબંધુ કલ્યાણ યોજના અને મોટી ઉદવહન સિંચાઇ યોજનાઓ, નર્મદાના વધારાના પૂરના પાણીથી ઉત્તર ગુજરાત વિસ્તાર માટે સુજલામ સુફલામ યોજના અને સૌરાષ્ટ્ર વિસ્તારના જળાશયો ભરવા માટેની સૌની યોજના તેમ જ સિંચાઇ યોજનાના હયાત કેનાલ માળખાના આધુનિકરણ અને સુધારણા માટે વિવિધ યોજનાઓ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્ષાર પ્રવેશતો અટકાવવા માટેના તથા દરિયાઇ ધોવાણ ઘટાડવા માટેના કુલ રૂા.20,900 કરોડના કામો હાથ ધરેલ છે.
રાજ્યમાં જુદા જુદા વિસ્તારમાં સિંચાઇના પાણીની સમસ્યા હળવી કરવા માટે જુદા જુદા તળાવો જોડવા તથા પાઈપલાઈન નાખવાની કામગીરી રૂા.1161 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે. છેલ્લા 05 વર્ષમાં પીવાના પાણીની યોજના માટે પાણી પુરવઠા વિભાગ હસ્તક રૂા.21761 કરોડના કામોની મંજુરી આપવામાં આવી છે. તેમજ અંદાજે 3127 બોર, 41575 હેન્ડપંપ અને 29677 મીની પાઈપલાઈન યોજના કરવામાં આવેલી છે. પીવાના પાણીનો અનાધિકૃત ઉપયોગ અટકાવવા માટે ધ ગુજરાત ડોમેસ્ટિક વોટર સપ્લાય(પ્રોટેક્શન) એક્ટ-2019 કાયદો લાવવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 7.64 લાખ આવાસોના લક્ષ્યાંક સામે કુલ 7.85 જેટલા આવાસો મંજુર કરવામાં આવેલ છે. આ આવાસો માટે કેન્દ્ર સરકારશ્રી દ્વારા કુલ રૂા.1984.19 કરોડ તથા રાજ્ય સરકારશ્રી દ્વારા કુલ રૂા.1563.79 કરોડની માતબર રકમની સહાય આપવામાં આવેલ છે. જેનો 4.71 લાખ લાભાર્થીઓએ લાભ લીધેલ છે. રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 05 વર્ષમાં કુલ 39 ફ્લાયઓવર માટે રૂા.1913 કરોડ મંજુર કરવામાં આવેલ છે.
રોજગાર અને તાલીમ માટે છેલ્લા 05 વર્ષમાં રાજ્યની 74 આઈ.ટી.આઈ. માટે રૂા.627 કરોડના ખર્ચે નવા મકાનો બાંધવામાં આવેલ છે. જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડવા માટે દૈનિક 8300 બસ દ્વારા 44,268 ટ્રીપથી દૈનિક 25 લાખ મુસાફરોને પરિવહનની સુવિધા આપવામાં આવે છે. લોકોને એરપોર્ટ જવા બસ સ્ટેશન મળી રહે તે માટે પ્રથમ તબ્બકામાં રૂા.488 કરોડના ખર્ચે 06 બસ સ્ટેશનોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. અને હાલ બીજા તબક્કામાં રૂા.677 કરોડના ખર્ચે 09 બસ સ્ટેશનોની કામગીરી હાલ ચાલુ છે.