સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ધ્યાનમાં રાખી બજેટ રજૂ કરતા નાણામંત્રી નીતિન પટેલ
નાણામંત્રી નીતિનભાઈ પટેલે આજે વર્ષ ૨૦૨૦-૨૧નં ફૂલ ગલાબી બજેટ રજૂ કર્યું હતુ તેમાં રાજયમાં તમામ વર્ગના લોકોને રાજી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચાલુ ચાલના અંતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાવાની હોય બજેટને ચૂંટણી લક્ષી ટચ આપવામાં આવ્યો છે. મહિલાઓ, ખેડુતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ ટુંકમાં તમામ વર્ગનાં લોકો માટે બજેટમાં કરોડો રૂપીયાની જોગવાઈ કરવામાં આવી છે. કદની દ્રષ્ટીએ પણ બજેટ ઐતિહાસીક છે. નાણામંત્રી નીતીનભાઈ પટેલે આજે આઠમી વખત બજેટ રજૂ કર્યું હતુ બજેટ સત્રના આરંભે કોંગ્રેસે વિવિધ પ્રશ્ર્ને ગૃહમાં ભારે હંગામો મચાવ્યો હતો.
નાણામંત્રી નીતિનભાઈ પટેલે બજેટ પૂર્વે જણાવ્યું હતુ કે, મને આઠમી વખત ગુજરાતનું બજેટ રજૂ કરવાની તક મળી તેનાથી હું ખૂબજ ખુશ છું બજેટમાં તમામ વર્ગ અને તમામ વિસ્તારના વિકાસ માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બજેટ સત્રનો બપોરે ૧૨ વાગ્યે આરંભ થયો હતો. પ્રથમ એક કલાક પ્રશ્ર્નોતરી કાળ રહ્યો હતો. ત્યારબાદ ૧.૧૫ કલાકે નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું હતુ વિપક્ષે ખંભાત, ડોનાલ્ડ ટ્રમ્પના ગુજરાત પ્રવાસમાં થયેલા ખર્ચ સહિતના મુદે ગૃહમાં હંગામો મચાવ્યો હતો.
અમદાવાદ સહિત રાજયની અઠ પૈકી છ મહાનગરપાલીકાની સામાન્ય ચૂંટણી આગામી ઓકટોબર -નવેમ્બર માસમાં યોજાવાની છે. સાથે સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે રૂપાણી સરકાર બજેટમાં મહાપાલિકાઓનાં વિકાસ માટે નાણાના કોથળા ખૂલ્લા મૂકે તેવી સંભાવના જણાય રહી છે. કરોડો રૂપીયાની જોગવાઈ કરવામાં આવે તેવું હાલ વર્તાય રહ્યું છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાપાલિકાનું વર્તમાન ટર્મની મૂદત આગામી નવેમ્બર -ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે. ત્યારે ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના કારણે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનું જબરૂ ધોવાણ થઈ ગયું હતુ રાજકોટમાં તો માંડ માંડ સત્તા આવી હતી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટાપાયે ધોવાણ થયું હતુ શહેરી વિસ્તારના મતદારોને આકર્ષવા માટે બજેટમાં મોટી મોટીજાહેરાત કરવામાં આવે તેવી સંભાવના હાલ જણાય રહી છે. ગત વર્ષ પણ મહાપાલિકાઓ માટે કરોડો રૂપીયાની જોગવાઈ કરવામાં આવી છે.