કોરોનાએ હવે કેડો મૂક્યો હોય તેમ રાજ્યમાં નવા કેસ સતત ઘટી રહ્યા છે. ત્યારે હવે રૂપાણી સરકારે કડક નિયમો હળવા કરી રાહત આપવાનો દોર ચાલુ રાખ્યો છે. જો કે તકેદારીના ભાગરૂપે રાજકોટ સહિત રાજ્યની આઠ મહાપાલિકમાં રાત્રી કરફ્યુ આગામી ૩૧મી સુધી લંબાવવાનો તાજેતરમાં જ સરકાર દ્વારા નિર્ણય જારી કરાયો છે. ત્યારે આજરોજ સરકારે નિયમોમાં ઢીલ કરતા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
હવે 150 લોકોને કંકોત્રી લખી શકાશે. એટ્લે કે લગ્ન પ્રસંગમાં હવે 150 લોકોની હાજરીને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અંતિમવિધિમાં 40 લોકોને મંજૂરી અપાઈ છે. બાગ બગીચા રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે તેમ રાજ્ય સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કરી જાહેરાત કરી છે.
વેપારીઓના રસીકરણ પર ભાર મૂકતી રૂપાણી સરકાર
કોરોના સામેની લડાઈમાં રસી અને નિયમ પાલન જ અમોઘ અસ્ત્ર સમાન મનાઈ રહ્યા છે. ત્યારે હાલ સરકારે કડક નિયમો અને પ્રતિબંધોમાં આંશિક રાહત તો આપી છે પણ સાથે વેપાર-ધંધા વાળા લોકોને રસી લેવા આગ્રહ કર્યો છે. આ માટે ૩૧ જુલાઇ સુધીમાં તમામ વેપારીઓને પ્રથમ ડોઝ લઈ લેવા સૂચના અપાઇ છે. છે વેપારીઓએ 31 જુલાઈ સુધીમાં રસીનો પ્રથમ ડોઝ નહી લીધો હોય તેઓને વેપાર ધંધો કરવાની છૂટ અપાશે નહીં એમ પણ જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ સરકારે ર૦મીથી પ્રાયવેટ અને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી માં ૧૦૦ ટકા પેસેન્જર અને એ.સી.માં ૭પ ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે. તેમ છૂટ આપી કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે. આ સાથે રાજકોટ સહિત ૮ મહાનગરોમાં રાત્રિ કરફયુની સમયાવધિ હવે, તા.૧ ઓગસ્ટ સુધી સવારે ૬ કલાકે પૂરી થશે. લેવાયેલા અન્ય નિર્ણયો મુજબ રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ તા.ર૦મીથી જુલાઇથી તેની ક્ષમતાના ૬૦ ટકા સાથે અને કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે નિયત એસ.ઓ.પી.ને આધિન શરૂ કરી શકાશે.