કાલાવડ, સાણંદ, હાલોલ અને બારડોલી સહિતની જીઆઈડીસીમાં ઉધોગકારો આકર્ષાયા: ગુજરાતનો ઉધોગ વેગવંતો બનશે
ગુજરાતમાં વિદેશી કંપનીઓના મસમોટા રોકાણ બાદ રૂપાણી સરકાર નાના અને લઘુ ઉધોગોને વેગવંતા બનાવવા હાથ ધરેલી ઉદાર નિતીના કારણે છેલ્લા પાંચ જ માસમાં રાજયની જુદી-જુદી જીઆઈડીસીમાં ૭૦૦ કરોડના રોકાણ થયા હોવાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ લીમીટેડ એટલે કે જીઆઈડીસી દ્વારા સતાવાર રીતે જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા પાંચ માસમાં રાજયમાં કાલાવડ, બારડોલી, હાલોલ, સાણંદ સહિતના જુદા-જુદા ઔધોગિક વસાહતોમાં જીઆઈડીસીએ ૩૦૦ થી વધુ પ્લોટ ફાળવ્યા છે અને નાના રોકાણકારો દ્વારા અહીં ૭૦૦ કરોડથી વધુના જુદા-જુદા ઉધોગો સ્થાપવાની કાર્યવાહી હાથધરી છે.
રાજય સરકારના સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ જીઆઈડીસીમાં નાના અને લઘુ ઉધોગકારો દ્વારા સરેરાશ સવા બે કરોડના રોકાણ સાથે જુદા-જુદા પ્લાન્ટ નાખવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જાપાન, ચીન, તાઈવાન, જર્મની, યુએઈ અને દક્ષિણ કોરીયા જેવી વિવિધ ૨૧ દેશોની કંપનીઓ ૨૦૧૭ થી ગુજરાતમાં પ્રવેશી છે.
વધુમાં વિદેશી કંપનીઓ દ્વારા ઓટો મોબાઈલ, ફુડ પ્રોસેસીંગ, ફેબ્રીકેશન, એન્જીનીયરીંગ એપ્લીકેશન, એપરલ સેકટર સહિતમાં પ્રવેશી હોય આ મોટા ઉધોગોને કારણે નાના ઉધોગોને પ્રોત્સાહન મળ્યું છે અને છેલ્લા પાંચ જ માસમાં રાજયમાં રૂ.૭૦૦ કરોડના નાના અને લઘુ ઉધોગકારોના રોકાણ આવ્યા હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે સરકાર દ્વારા સમગ્ર રાજયમાં નાના અને લઘુ ઉધોગોને પ્રોત્સાહન આપવા ખાસ નિતી ઘડી કાઢી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં પણ મેટોડા જીઆઈડીસી નજીક ખીરસરા ખાતે વધુ એક જીઆઈડીસીને મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત આવનાર દિવસોમાં રાજકોટમાં ઓટો મોબાઈલ ઝોન પણ વિકસાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.
દરમિયાન રાજય સરકાર દ્વારા ટેક્ષટાઈલ ઉધોગને વેગવંતો બનાવવા માટે વ્યાપક છુટછાટો આપવા નકકી કર્યું છે. સાથે સાથે ટેક્ષટાઈલ ઉધોગને સંલગ્ન અન્ય ઉધોગોને પણ પ્રોત્સાહિત કરવા માટે સરકારે ઉદાર નિતી બનાવતા રાજયમાં નાના અને લઘુ ઉધોગોનો ઝડપી વિકાસ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ જેવા રાજયોમાં ઉધોગોને અપાતા પ્રોત્સાહનની મુદત પૂર્ણ થઈ રહી હોય રાજયમાંથી બહાર ગયેલા અન્ય નાના અને લઘુ ઉધોગો પણ ફરી ગુજરાત તરફ આવી રહ્યા હોવાના સ્પષ્ટ સંકેતો વચ્ચે આવનારા દિવસોમાં ગુજરાતનો ઔધોગિક વિકાસ ચરમસીમાએ પહોંચે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.