રાજકોટ, મોરબી, કચ્છ, બનાસકાંઠા સહિતના જિલ્લામાં વસવાટ કરી રહેલા શરણાર્થીઓને મળી મોટી રાહત : શરણાર્થીઓનું ભારતના નાગરિક બનવાનું વર્ષો પૂર્વેનું સ્વપ્ન થયું સાકાર
સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ એક્ટના અમલમાં ગુજરાત અગ્રેસર હજુ અન્ય શરણાર્થીઓની ઓળખ મેળવવા તંત્ર કમર કસશે
નાગરિકતા સંશોધન કાયદા અન્વયે રાજ્યની રૂપાણી સરકાર આજે રાજ્યમાં વસતા ૩૫૦૦ પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકત્વ આપવા જઇ રહી છે. વર્ષોથી ગુજરાતમાં વસતા અને ભારતના નાગરિક બનવાનું સ્વપ્ન જોતા શરણાર્થીઓનું સ્વપ્ન આજે સાકાર થવા જઈ રહ્યુ છે.
ગુજરાતના કચ્છ, મોરબી, રાજકોટ અને બનાસકાંઠામાં રહેતા અંદાજે ૩,૫૦૦ હિન્દુ પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવા માટેની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. સિટિઝનશિપ ઍમેન્ડમેન્ટ એક્ટ (ઈઅઅ)ને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તેના અમલીકરણની દિશામાં ગુજરાત આ રીતે તેમાં અગ્રેસર બનશે. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા આ તમામ લોકોને એકત્રિત કરી તેમની નોંધણી કરાવાશે. આ તમામ લોકોમાં મોટો હિસ્સો પાકિસ્તાનથી ભારત આવેલા સોઢા રાજપૂત સમાજનો છે જેઓ ગુજરાતી ભાષા બોલે છે તથા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયેલાં અત્યાચારોથી ત્રાસીને ભારત આવીને વસી ગયા હતા. મળતી માહિતી મુજબ આ શરણાર્થીઓમાં હાલ ૧,૧૦૦ લોકો મોરબી, ૧,૦૦૦ લોકો રાજકોટ, ૨૫૦ લોકો કચ્છ, ૫૦૦ લોકો બનાસકાંઠા અને બાકીના અન્ય જિલ્લાઓમાં વસી રહ્યા છે.
આ તમામ શરણાર્થીઓ હિન્દુ છે અને પાકિસ્તાનમાં લઘુમતીઓ તરીકે રહેતાં હતાં. પાકિસ્તાની કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ અત્યાચારનો વારંવાર ભોગ બનતા તેઓ માટે અન્ય કોઇ વિકલ્પ ન હતો. હાલ તેઓ ભારતના કાયદેસર નાગરિક ન હોઇ તેમને કોઇ સરકારી યોજનાનો લાભ મળી શકતો નથી અને તેથી તેઓ હજુ પણ દારુણ સ્થિતિમાં જ જીવે છે.
કેન્દ્રિય મંત્રી માંડવિયાએ આ અંગે જણાવ્યું કે કાયદેસર રીતે આ તમામ લોકોને કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજનાનો લાભ ન મળતો હોવાથી તેઓની સ્થિતિ સુધારી શકાઇ નથી. હવે તેઓ પાકિસ્તાન પરત જઇ શકે તેમ નથી અને શરણાર્થીને બદલે તેમને કાયદેસર નાગરિકતા મળશે. ગાંધીધામમાં તેમના નામનું રજિસ્ટ્રેશન કરી કેન્દ્રીય ગૃહમંત્રાલયને મોકલવામાં આવશે.
આમાંના ઘણાં છેલ્લાં પંદર કે વીસ વર્ષમાં જ ભાગીને ભારત અને તેમાંય ગુજરાતમાં આવીને વસી ગયાં છે. તેઓ કોઇ ચોક્કસ સમુદાય કે વસ્તીમાં રહેવાને બદલે હાલ ગુજરાતમાં નાની-મોટી રોજગારી મેળવવા છૂટા છવાયાં વસી ગયાં છે. હજુ પણ અન્ય આવાં લોકોને શોધીને તેમને નાગરિકતા અપાવવા માટે પ્રયત્ન કરાશે.