ગુંડા વિરોધી કડક કાયદા માટે આગામી કેબિનેટમાં વટહુકમ બહાર પડાશે : રાજ્યમાં શાંતિ સ્થાપવા સરકારનો વધુ એક સરાહનીય નિર્ણય
કોઈ પણ સરકારે પોતાનું સાશન અવિરત જાળવી રાખવા ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવવા જરૂરી છે. આ કામગીરી હાલની રૂપાણી સરકાર બખૂબી કરી રહી છે. અગાઉ ભૂખ હટાવવા લોકોને આત્મનિર્ભર બનાવવા યોજના લાવવામાં આવી હતી. જ્યારે ભ્રષ્ટાચાર હટાવવા વિવિધ સરકારી કામગીરી ઓનલાઇન કરવામાં આવી છે. આમ ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવ્યા બાદ રૂપાણી સરકારે ભય ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે કમર કસી છે. તાજેતરમાં પાસાના શસ્ત્રને સરળ બનાવ્યા બાદ હવે ગુંડાઓ માટે ખાસ વટ હુકમ બહાર પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર દ્વારા ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આવનારા દિવસોમાં હવે ગુંડાઓને ગુંડાગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે.મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ- ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજુ કરશે. આ ઓર્ડિનન્સની મહત્વપૂર્ણ જોગવાઇઓ જોઈએ તો આ પ્રમાણે છે. ગુંડાગીરી કરનારા તત્વોને ૧૦ વર્ષ સુધીની સખત કેદ અને પ૦ હજાર રૂપિયાનો દંડ કરાશે. ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરાશે.
ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે. સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે. ગૂનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક રહેશે.દારૂનો વેપાર-જુગાર-ગાયોની કતલ-નશાનો વેપાર-અનૈતિક વેપાર-માનવ વેપાર-બનાવટી દવાનું વેચાણ-વ્યાજખોરી-અપહરણ-ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવી બદીઓને નશ્યત કરવા કડક કાયદાકીય જોગવાઇઓ કરાશે. પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી મહત્વપૂર્ણ સુધારાના વટહુકમ દરખાસ્ત સાથે શાંત-સલામત-સુરક્ષિત-સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં વધુ એક નક્કર કદમ ઉઠાવવાએ મુખ્યમંત્રીએ પ્રતિબદ્ધતા વ્યકત કરી છે.
રાજ્યની વિકાસયાત્રામાં અવરોધક બનનારા- જાહેર વ્યવસ્થાને ખલેલ પહોચાડનારા હિંસા-ધાકધમકી-બળજબરીથી નિર્દોષ નાગરિકોનું શોષણ કરનારા ગુંડા તત્વોની પ્રવૃત્તિઓને સખ્તાઇથી ડામી દેવા મુખ્યમંત્રીએ નીર્ધાર કર્યો છે. ગુંડાઓ-જમીન કૌભાંડકારો-ભ્રષ્ટ કર્મચારીઓ તથા ગૌવંશના હત્યારાઓને કાયદાના કડક અમલીકરણથી નશ્યત-નેસ્તનાબૂદ કરવાનો વિજયભાઇ રૂપાણીનો નક્કર અભિગમ ટૂંક સમયમાં અમલી બનશે.
ઓર્ડિનન્સની મહત્વપૂર્ણ જોગવાઇઓ
- ગુંડાગીરી કરનારા તત્વોને ૧૦ વર્ષ સુધીની સખત કેદ અને પ૦ હજાર રૂપિયાનો દંડ કરાશે
- ગુંડાઓ સામેના કેસમાં ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરાશે
- ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે
- સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે
- ગૂનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક