ગુજરાત કી હવા મે વ્યાપાર હૈ. આ ફિલ્મી વાક્ય જમીની હકીકત છે. કારણકે ભૂતકાળમાં અનેકવિધ કંપનીઓ ગુજરાતમાં ધંધો કરવા આવ્યા છે અને વર્તમાન સમયમાં પણ આવી જ રહ્યા છે. હજુ ભવિષ્યમાં પણ તેઓ ગુજરાત તરફ આકર્ષાતા રહે તે માટે સરકાર નવી પોલિસી બનાવવાની કવાયત હાથ ધરી રહી છે.

ગુજરાત કી હવા મે વ્યાપાર હૈ!

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ઉદ્યોગોની નીતિમાં સુધારાઓ અને ફેરફારો નક્કી કરવા મળી ઉચ્ચસ્તરીય બેઠક

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ઉદ્યોગોની નીતિમાં સુધારાઓ અને ફેરફાર કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. મેગા અને ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ માટેના પ્રોત્સાહનો અંગેના વિસ્તૃત મુદ્દાઓની ચર્ચા કરવા માટે સરકાર દ્વારા આ પ્રથમ બેઠક મળી હતી. નવીનીકરણીય ઉર્જા ક્ષેત્ર, ઇલેક્ટ્રિક વાહનો અને અન્ય ઉદ્યોગોમાં ઘણું રોકાણ આવી રહ્યું છે. જેને ધ્યાને લઈને આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત લગત તમામ સંબંધિત વિભાગો પાસેથી નવી નીતિ અંગે સૂચનો પણ માંગવામાં આવ્યા છે.

સરકાર નવી નીતિ એ રીતે ઘડવા માગે છે જેમાં ઉદ્યોગોને તો ફાયદો થાય જ  ઉપરાંત અન્ય ફાયદાઓ પણ થાય. સરકારે ન્યુનત્તમ રોકાણની વર્તમાન મર્યાદામાં વધારો કરવાનો તેમજ લાંબા ગાળાના રોજગાર પેદા કરવા માટે  ધ્યાન કેન્દ્રિત કર્યું છે.  હાલમાં સરકાર મૂડી રોકાણો સામે એસજીએસટી વળતર જેવા પ્રોત્સાહન આપવાનું વિચારી રહી છે.સરકાર સંભવિત મેગા અને ઇનોવેટિવ પ્રોજેકટનું નિર્માણ કરનારા રોકાણકારો સાથે પરામર્શ કરવાની યોજના પણ બનાવી રહી છે. નવી નીતિ અંતર્ગત ગુજરાતમાં ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સને આકર્ષિત કરવાનું લક્ષ્ય પણ છે.

નવી નીતિ બે મહિનામાં જાહેર થઈ જવાની સંભાવના

રાજ્ય સરકારે નવા પ્રોજેકટ માટે નવી નીતિ જાહેર કરવા કવાયત હાથ ધરી છે. ગુરુવારે જ આ માટે ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. જેમાં અનેક મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હાલ નવી નિતિ માટે તમામ પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે. અંદાજે બે મહિનાની અંદર નવી નીતિ જાહેર થઈ જાય તેવી પ્રબળ શક્યતાઓ દર્શાઈ રહી છે.

બીજા રાજ્યમાં નવા પ્રોજેકટસને અપાતા પ્રોત્સાહનોનો અભ્યાસ કરવા અધિકારીઓને સૂચના

ઉચ્ચસ્તરીય બેઠકમાં નવા પ્રોજેકટને ગુજરાત તરફ આકર્ષવા શુ શુ નિર્ણયો લઈ શકાય તે અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ બીજા રાજ્યોમાં નવા પ્રોજેકટને ક્યાં ક્યાં પ્રોત્સાહન આપવામાં આવે છે. તે અંગે અભ્યાસ કરવાનો અધિકારીઓને આદેશ આપ્યો છે. જેથી અધિકારીઓ બીજા રાજ્યની પોલિસી પણ તપાસશે બાદમાં જો તેમાંથી કોઈ મુદા યોગ્ય લાગશે તો તેનું અમલીકરણ ગુજરાતમાં પણ કરવાની કાર્યવાહી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.