પ્રદેશ ભાજપ પ્રમુખ, મુખ્યમંત્રીના આગમનથી ભાજપ કાર્યકરોમાં જોશ: સાંજે ધનવંતરી મેદાન અને ચાંદી બજારમાં જાહેરસભા
જામ્યુકોની ચૂંટણી આગામી ૨૧મી ફેબ્રુઆરીના દિવસે યોજાવાની હોય પ્રચારને બળ પૂરૂ પાડવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે જામનગર આવી રહ્યાં છે. સાંજે સાડા છ વાગ્યે સૌપ્રથમ ધનવંતરી ગ્રાઉન્ડમાં તેમજ સાડા સાત વાગ્યે ચાંદી બજારમાં ચોકમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ મુખ્યમંત્રીની સાથે સૌ પ્રથમ વખત જામનગર આવી રહ્યા હોવાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને સૌ પ્રથમ વખત તેઓને સાંભળવાનો મોકો મળશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પ્રસારને વેગવંતો બનાવી દેવામાં આવ્યો છે. જેમાં પ્રાણ પૂરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જામનગર શહેરની મુલાકાતે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની જામનગર મુલાકાત પહેલી વખતની છે.
જામનગર શહેરની ૭૮ વિધાનસભા વિસ્તાર તેમજ ૭૯ વિધાનસભાના વિસ્તારને ધ્યાનમાં રાખીને એક જ દિવસમાં એક કલાકના સમયાંતરે બે જાહેર સભા યોજવામાં આવી છે અને બન્ને વિધાનસભા વિસ્તાર પ્રમાણે સ્થાનિક કાર્યકર્તાઓ જાહેર સભાની તૈયારીઓમાં જોડાઈ ગયા છે. સી.આર.પાટીલ કે પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યા પછી સૌપ્રથમ વખત મુખ્યમંત્રી સાથે જામનગરની મુલાકાત લઈ રહ્યા હોવાથી તેઓનું વિશેષ સન્માન કરવા માટેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. બંને મહાનુભાવો ધન્વંતરી ગ્રાઉન્ડ તેમજ ચાંદી બજાર વિસ્તારની જાહેર સભાને સંબોધ્યા પછી રાત્રી ભોજન જામનગરમાં કર્યા પછી અમદાવાદ જવા રવાના થશે.
પંચાયતોની ચૂંટણીમાં ૩૬૪ ફોર્મ ભરાયા
જિલ્લાની ૨૪ બેઠકો માટે ૯૦ તા.પંચાયતોની ૧૧૨ બેઠકો માટે ૩૪૮ ફોર્મ ભરાયા
જામનગરમાં પંચાયતોની ચૂંટણીમાં એક જ દિવસમાં ૩૬૪ ઉમેદવારી પત્ર ભરાયા છે. જેમાં જિલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે ૯૦, તાલુકા પંચાયતોની ૧૧૨ બેઠક માટે ૩૪૮ ઉમેદવારી પત્રનો સમાવેશ થાય છે. શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ૧૫ ફેબ્રુઆરીના ફોર્મની ચકાસણી થશે. ૧૬ ફેબ્રુઆરીના પરત ખેંચી શકાશે.જામનગરમાં સ્થાનિક સ્વરાજયની જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં ગુરૂવારે ભાજપે જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. જયારે કોંગ્રેસે યાદી જાહેર ન કરતા ટીકીટ વાંચ્છુઓમાં સવાલ ઉઠયા હતાં. ભાજપે મહાનગરપાલિકાની જેમ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગે નો રીપીટ થીયરી અપનાવી મોટા માથાના પતા કાપી નાખી નવા ચહેરાને તક આપતા નારાજગીનો દૌર શરૂ થયો છે. પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ ભરવાના પાંચમા દિવસે કુલ ૩૬૪ ફોર્મ ભરાયા હતાં. જેમાં જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે ૮૪ ફોર્મનો સમાવેશ થાય છે. જામનગર તાલુકા પંચાયત માટે ૬૧, કાલાવડ તાલુકા પંચાયત માટે ૩૪, લાલપુર માટે ૩૬, જામજોધપુર માટે ૫૨, ધ્રોલ માટે ૫૫ અને જોડિયા તાલુકા પંચાયત માટે ૪૪ ફોર્મ ભરાયા હતાં. શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય હજુ વધુ ફોર્મ ભરાશે. જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયાના પ્રથમ ચાર દિવસ ઉમેદવારોના નામ જાહેર ન કરાતા ફકત ૭૨ ફોર્મ ભરાયા હતાં. જેમાં જિલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે ૬ અને જિલ્લાની ૬ તાલુકા પંચાયતની ૧૧૨ બેઠક માટે ૬૬ ફોર્મનો સમાવેશ થાય છે.
બે પૂર્વ કોર્પોરેટર સહિત ત્રણ કોંગીજનો પાર્ટીમાંથી સસ્પેન્ડ
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ત્રણ કાર્યકરોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જામનગરમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અબ્દુલ સમા અને હનિફ મલેક આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે. જ્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જેતુનબેન રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવાતા જામનગર
શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા ત્રણેયને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉમેદવાર પસંદગીથી નારાજ કાર્યકરોને સમજાવવા મંત્રી, આગેવાનોના પ્રયાસ
ભાજપમાં ઘીના ઠામમાં ઘી પડી જશે
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેર પછી કાર્યકરોમાં નારાજગીનું મોજુ હજુ હટવાનું નામ નથી લેતી. ચુંટણી પ્રચારના શ્રી ગણેશ ઉમેદવારો દ્વારા ટેકેદારોને લઇને કરી દેવાયા છે. પરંતુ મેદવારોના કાર્યાલયના ઉદ્ઘાટનો ધડા-ધડ કરવામાં આવી રહ્યા છે. પરંતુ કાર્યકરોની નારજગી હટવાનું નામ લેતી નથી. જેનાથી ભાજપના આગેવાનો પણ રાજકીય ગડમથલમાં મુકાયા છે.
મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપના ઉમેદવારોનું લીસ્ટ જાહેર થયા પહેલા શહેર ભાજપના મુખ્ય આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં નામ જાહેર થયા બાદ નારાજગી પણ બહાર આવશે તે મુદ્ે ચર્ચા થઇ હતી. આ બેઠકમાં જે કાર્યકર નારાજ હોય તેમને મનાવી લેવાનું પણ પ્લાનીંગ કરાયું હતું. આ બેઠકમાં એક આગેવાનો તો કહ્યું હતું કે, કાર્યકરને નારાજ થવાનો હક પણ છે પણ કયાંય બીજે જશે નહી. તેની પાસે બીજો વિકલ્પ પણ કયાં છે. માને તો મનાવી લેવાશે અને તે માટે પ્રયાસો પણ આગેવાનો દ્વારા કોણ કયા કરશે તેની પણ ચર્ચા થઇ હોવાનું જાણવા મળે છે.
જામનગર મહાનગરપાલિકાના ૬૪ ઉમેદવારોની યાદી જાહેર થયા પછી વિરોધનો વંટોળ જુદા-જુદા વોર્ડમાંથી શરૂ થયો હતો. અમુક વોર્ડમાં ઉમેદવારો સામે પણ નારાજગી આગેવાનો અને કાર્યકરોએ શહેરના પ્રમુખ ચૂંટણી ઇન્ચાર્જ તેમજ બન્ને ધારાસભ્ય અને સાંસદ પાસે નારાજગી પણ વ્યકત કરી હતી.
અને રોષ વ્યકત કરતા કેટલાક કાર્યકરોએ તો મોવડી મંડળ કરતા જામનગરનું મંડળ મોટુ હોવાનો પણ આક્ષેપો કર્યા હતા. પ્રદેશ પ્રમુખની નવા નિયમની જાહેરાત બાદ જામનગરમાં અમુક ઉમેદવારોના નામોની બાદબાકી કરાયા બાદ જ્ઞાતિ સમીકરણ અને રોષની લાગણી જોઇને પ્રદેશના મોવડી મંડળમાં ફેરફાર કરવા અંગે પણ રજૂઆત પહોંચી હતી.
જામનગરમાં ભાજપના ઉમેદવારોના નામની યાદી જાહેર થયા પછી જે કોર્પોરેટરોની ટિકીટ કપાઇ છે. તેવા કોર્પોરેટરોનો નવો કચવાટ ઉભો થયો છે. સાથે સાથે વોર્ડ પ્રમુખ અને મહામંત્રી સહિત શહેરના અમુક હોદેદારો પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાથી નારાજ છે. પૂર્વ કોર્પોરેટર હવે પક્ષના મોટા નેતા કહે તો નવા નિશાળીયા કહેતા ઉમેદવારોને જીતાડવા માટે કામ કરશે નહી તો માત્ર હાજર છે તેવુ દેખાડવા હાજરી આપશે. આગેવાનો અને કાર્યકરોમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઇને નારાજગીનો દોરની આગ બુઝાવવા કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ચુંટણી ઇન્ચાર્જ અને પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા તેમજ શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા સહિતના આગેવાનોની ટીમ ડેમેજ કંટ્રોલ માટે સતત પ્રયાસો કરી હોવાનું જાણવા મળે છે. કાર્યકરો અને આગેવાનો હવે મોટા નેતાઓના ફોન આવે કે રૂબરૂ મળવા ત્યારપછી જ ચુંટણી પ્રચારમાં જોડાશું તેવી ચર્ચા પણ અંદરખાને કહી રહ્યાં હોવાનું જાણવા મળે છે. આમ જામનગરમાં અમુક વોર્ડોમાં નવા ચહેરાઓ મુકીને મતદારોને રીઝવવાના ભાજપના અખત્રા હવે ભાજપને મહાનગરપાલિકામાં સત્તાના સુકાન સોંપવા માટે કેટલા કારગત નિવડે છે. તે તો આવનારો સમય જ કહેશે.