- બસપા અને અપક્ષ 6 ઉમેદવારોએ રૂ.13 હજારથી લઇ રૂ.26 હજાર સુધીના ખર્ચા કર્યા : એક અપક્ષ ઉમેદવારે ખર્ચના હિસાબ રજૂ ન કરતા નોટિસ ફટકરાય
લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવારોએ ખર્ચની પ્રથમ બેઠકમાં ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવેલ ખર્ચની વિગતો રજૂ કરી હતી. જો કે, ખર્ચની પ્રથમ બેઠકમા રાજકોટ લોકસભાની ચૂંટણી લડતા નવ પૈકી એક અપક્ષ ઉમેદવારે ખર્ચના હિસાબો રજૂ ન કરતા ચૂંટણી તંત્ર દ્વારા નોટિસ ફટકારવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ એમ મુખ્ય 2 પક્ષ સહિત કુલ 9 ઉમેદવારો મેદાનમાં છે. પ્રતિ ઉમેદવાર વધુમાં વધુ 95 લાખ ખર્ચી શકે તેવી મર્યાદા નક્કી કરવામાં આવી છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂસોત્તમ રૂપાલાના પ્રતિનિધિ દ્વારા રૂપાલાએ છેલ્લા એક માસમાં કરેલા ચૂંટણી ખર્ચનો હિસાબ આપ્યો છે. જેમાં તેમના દ્વારા સભા, પ્રચાર અને ભોજન સહિતનો 5.65 લાખનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો ચૂંટણી ખર્ચ 1.84 લાખ બતાવાયો છે.
રાજકોટ કલેકટર કચેરીના ત્રીજા માળે ખર્ચના નોડલ ઓફીસર અને ડીડીઓ નવનાથ ગ્વહાણે અને તેમની ટીમ દ્વારા ખર્ચના ઓબઝર્વર અને દરેક વિધાનસભા બેઠકના આસિસ્ટન્ટ ઓબઝર્વરની ઉપસ્થિતિમાં ઉમેદવારો પાસેથી કરાયેલા ખર્ચના હિસાબો-પૂરાવા સહિત મેળવવામાં આવ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાના પ્રતિનિધિ ભરત સોલંકીએ મિટીંગ, સભા,પ્રચાર-પ્રસાર, બેનર્સ, ચા-પાણી-નાસ્તા, ભોજન, મંડપ, ખુરશી વગેરે મળી પ્રથમ ખર્ચ એટ્લે કે તા. 23 એપ્રિલ સુધીનો 5 લાખ 65 હજારનો ખર્ચ બતાવ્યો છે. જેમાં કાર સહિતના ભાડે વાહનોનો ખર્ચ પણ આવરી લેવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આગામી તા.7મી મે ના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા અંતર્ગત 22મીએ ચૂંટણી ચિત્ર ફાયનલ થયા બાદ રાજકોટ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો માટે ગઈકાલે ખર્ચની પ્રથમ બેઠક યોજાઈ હતી જેમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા નામાંકનથી લઈ આજદિન સુધીમાં 5,65,423, કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ 1,84,008, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ચમનભાઈ સવસાણીએ 26,500, અપક્ષ ઉમેદવાર જીગ્નેશભાઈ મહાજને 25,850, અપક્ષ ઉમેદવાર પ્રકાશ સિંધવે 13,350, અપક્ષ ઉમેદવાર નયન ઝાલાએ 26,300, અપક્ષ ઉમેદવાર નિરલ અજાગીયાએ 26,800, ભાવેશ આચાર્યએ 25,600નો ખર્ચ કર્યો હોવાનો હિસાબ તંત્રને આપ્યો હતો.જો કે, આજે ખર્ચના નોડલ સમક્ષ રજૂ કરાયેલા હિસાબોમાં અપક્ષ ચૂંટણી લડી રહેલા ભાવેશ પીપળીયાએ ચૂંટણી તંત્ર સમક્ષ હિસાબો રજૂ ન કરતા ચૂંટણીપંચના નિયમ મુજબ તંત્ર દ્વારા નોટિસ ફટકારવઆ આવી છે ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડતા ઉમેદવારોમાં સૌથી વધુ ખર્ચ ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાએ કર્યો હોવાનું અને મોટા ભાગના અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર સાથે ભરેલી ડીપોઝીટના 25 હજારનો જ મુખ્ય ખર્ચ કર્યાનું સામે આવ્યું છે.