શિક્ષણ બોર્ડનાં સભ્ય ડો.પ્રિયવદન કોરાટની શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિતમાં રજુઆત: ધો.૧૨ની મંજુરી નહીં મળે તો વિદ્યાર્થીઓનું ભાવી જોખમાશે
ગત વર્ષે જુન-૨૦૧૮માં ધો.૧૧ની મંજુરી મળી હોય તેવી રાજયની શાળાઓમાં ધો.૧૨ની મંજુરી માટેની દરખાસ્ત સ્વિકારવાની દરખાસ્ત હજુ સુધી આવી ન હોય એટલે કે આવી શાળાઓ ધો.૧૨ની મંજુરી વગર ચાલે છે. રાજયમાં મંજુરી વિના ચાલતી ધો.૧૨ની ૧૦૦ જેટલી ગ્રાન્ટેડ શાળાઓ છે. ધો.૧૧ની મંજુરી મળ્યા બાદ બે વર્ષ સુધી ધો.૧૨ની મંજુરી ન મળતા શિક્ષણ બોર્ડનાં સભ્ય ડો.પ્રિયવદન કોરાટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિતમાં રજુઆત કરી છે અને તાત્કાલિક ધો.૧૨ની ક્રમશ: મંજુરી આપવા માટે ભલામણ કરી છે.
ડો.પ્રિયવદન કોરાટે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, મંજુરી વિના ચાલતી ધો.૧૨ની ૧૦૦ જેટલી શાળાઓની ખાસ કેસમાં વિદ્યાર્થીઓને શિક્ષણનાં હિતમાં શિક્ષણ બોર્ડે ધો.૧૨ની પરીક્ષા લીધી હતી. આ ૧૦૦ જેટલી શાળાઓ અને જુન-૨૦૧૮માં મંજુર થયેલ ધો.૧૧ વાળી શાળાઓએ ધો.૧૨ની ક્રમિક વર્ગને દરખાસ્ત માટેની જાહેરાત ન આપવાને કારણે ધો.૧૨ની ૧૦૦ જેટલી શાળાઓ મંજુરી વિના જ ચાલે છે. આ શાળાઓમાં અભ્યાસ કરતા ધો.૧૨નાં વિદ્યાર્થીઓનું ભાવી બગડે તેમ હોય જેથી કરી જુન-૨૦૧૮ થી ધો.૧૨માં ગ્રાન્ટેડ વર્ગ શરૂ કરવાની મંજુરી ગુજરાત રાજયનાં વિદ્યાર્થીઓનાં શિક્ષણનાં હિતમાં નિર્ણય કરવામાં આવે અને આવી ૧૦૦ જેટલી મંજુરી વિનાની શાળાઓને ધો.૧૨નાં ક્રમિક વર્ગોની મંજુરી આપવાની મારી માંગ છે.
ઉલ્લેખનીય છે કે, આવતા દિવસોમાં પણ આ ૧૦૦ જેટલી ગ્રાન્ટેડ શાળાઓને હજુ પણ મંજુરી આપવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓનું ભાવી જોખમાય શકે તેમ છે જેથી તાત્કાલિકપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવી ગ્રાન્ટેડ ૧૦૦ શાળાઓને તાત્કાલિક ધો.૧૨ની મંજુરી આપવામાં આવે તેવી માંગ છે.