ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યંત તણાવભરી પરિસ્થિતિના પગલે દેશની સરહદ અને આંતરિક વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર મુકાઈ ગઈ છે. ખાસ કરીને, પાકિસ્તાન સાથે રણ અને જળ સીમાએ જોડાયેલાં કચ્છમાં સર્વત્ર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. તે વચ્ચે ગાંધીધામ રેલવે સ્ટેશન અને કંડલા તરફના રેલવે ટ્રેક આસપાસ એક ડ્રોન પ્લેન ઉડતું જોવા મળતાં રેલવે પોલીસમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ગવર્નમેન્ટ રેલવે પોલીસે તુરંત જ  ડ્રોન ઉડાડી રહેલી વ્યક્તિને ઝડપી પાડી ડ્રોન પ્લેન નીચે ઉતારાવી કબ્જે કરી લીધું હતું. ઘટનાના પગલે રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો પણ હરકતમાં આવી ગયાં હતા. જો કે, પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું છે કે રેલવે ટ્રેકનો સર્વે કરવા માટે રેલવેએ આપેલાં કોન્ટ્રાક્ટ મુજબ ખાનગી એજન્સીના માણસોએ આ ડ્રોન પ્લેન ઉડાડ્યું હતું. ગાંધીધામ રેલવે પોલીસના પીએસઆઈ પી.એસ.સોંદરવાએ જણાવ્યું કે, વર્તમાન હાઈએલર્ટની પરિસ્થિતિને અનુલક્ષીને ડ્રોન ઉડતાં અમે આ કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં તેમાં કશું શંકાસ્પદ જણાયું નથી. હાલ આરપીએફ દ્વારા પૂછપરછ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.