સરકાર કામનું આઉટસોર્સિંગ કરે એ પણ ભ્રષ્ટાચારને વેગ આપવા જેવું એક પરિબળ હોવાનું હાઇકોર્ટનું માર્મીક અવલોકન
રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ બેકાર યુવાનોની કરાર આધારિત થતી ભરતીઓ એક પ્રકારનું શોષણ હોવાનું માર્મિક અવલોકન હાઇકોર્ટના જસ્ટિસ એસ.જી. શાહે એક પિટિશનના વચગાળાના આદેશમાં કર્યું છે. રાજ્ય સરકારના પોલીસ હાઉસિંગ વિભાગમાં કરાર આધારિત ૫૪ કર્મચારીઓએ હાઇકોર્ટ સમક્ષ કાયમી કરવા અને કરાર પૂર્ણ થાય તો છૂટા નહીં કરવાની માંગ સાથે રિટ કરી છે. જે રિટના આદેશમાં જસ્ટિસ શાહે અરજદારોને કરાર પૂર્ણ થાય પરંતુ છૂટા નહીં કરવાની રાહત આપી છે. તે ઉપરાંત સરકારની ભરતી પ્રક્રિયાની ટીકા કરતાં એવું અવલોકન પણ કર્યું છે કે રાજ્ય સરકારે કરાર આધારિત ભરતી કરી યુવાનોનું શોષણ કરવાનું બંધ કરવું જોઇએ. સરકાર કામનું આઉટસોર્સિંગ કરે છે એ પણ ભ્રષ્ટાચારને વેગ આપવાનું એક પરિબળ બની રહે છે.
અરજદાર નાયક તુષારભાઇ રજનીકાંત તરફથી એડવોકેટ હર્ષિલ ધોળકિયા અને સિનિયર એડવોકેટ યતિનભાઇ ઓઝાએ રિટ પિટિશન કરીને એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા હતા કે ગુજરાત પોલીસના હાઉસિંગ વિભાગમાં ૧૫૦થી વધુ કર્મચારી કાર્યરત છે. મોટાભાગના કર્મચારીઓની ભરતી રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કરવામાં આવે છે. આ કર્મચારીઓ પાંચથી લઇને ૧૫ વર્ષથી સળંગ વિવિધ પ્રોજેક્ટ્સ માટે કામ કરી રહ્યા છે.
પરંતુ તેમને ૧૨-૧૨ મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર લેવાય છે. સરકાર દ્વારા અપાતી જાહેરાતના આધારે જ આ કર્મચારીઓએ ભરતી મેળવી છે ત્યારે તેમને સમાન કામ માટે સમાન વેતન તો મળવું જોઇએ પરંતુ તેની સાથે સાથે તેમની કાયમી નોકરીના લાભ મળવા જોઇએ. જેથી તેમના કોન્ટ્રાક્ટ પૂર્ણ થાય ત્યારે તેમને છૂટા નહીં કરવા જોઇએ અને તેમને કાયમી કરવા જોઇએ.
સરકાર વતી એવી દલીલ કરવામાં આવી હતી કે, આ કર્મચારીઓના વેતન સહિતના અન્ય ખર્ચ માટે કોઇ અલાયદું ફંડ ફાળવાતું નથી. હવે આવા સંજોગોમાં જ્યારે કોઇ પ્રોજેક્ટ માટે તેમના કામની જરૂર હોય ત્યારે તેમને કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવે છે. તે સિવાય કામ ના હોય અને તેમને બેઠા બેઠા વેતન આપવામાં આવે તો રાજ્ય સરકાર ઉપર બિનજરૂરી નાણાકીય ભાર આવશે.
આ પ્રકારની રજૂઆત બાદ જસ્ટિસ એસ. જી. શાહે સરકારનો રીતસરનો ઉધડો લીધો હતો અને નોંધ્યું હતું કે, એક તરફ સરકારી તંત્ર છે અને બીજી તરફ દેશના જરૂરિયાતમંદ બેકાર યુવાનો છે. જો આ સંજોગામાં સુપ્રીમ કોર્ટની અવારનવારની નારાજગી છતાંય રાજ્ય સરકાર યુવાનોનો ગેરલાભ ઉઠાવતી હોય તો તેને ચોક્કસ અરજદારોના શોષણ સમાન ગણાય. સરકારે સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ નાગરિકો વચ્ચે ભેદભાવના થાય તે સુનિશ્ચિત કરવું પડે. જે યુવાનો પાસે જીવનયાપન માટે સરકારની કોન્ટ્રાક્ટ આધારિત નોકરી લેવા સિવાયનો કોઇ વિકલ્પ ના હોય તેમનું સરકાર શોષણ કે તેમની સાથે ભેદભાવ ના કરે તે નિશ્ચિત કરવાની સત્તા અદાલત જોડે છે.