બેટસમેનો માટે સ્વર્ગસમી ખંઢેરીની વિકેટ પર ચોકકા-છગ્ગાની આતશબાજીની ક્રિકેટ પ્રેમીઓને આશા: દિલ્હી બાદ રાજકોટમાં પણ જીત માટે ભારતીય ટીમ હોટ ફેવરિટ: સાંજે ૭ કલાકથી બીજા મેચનો આરંભ
આજે બપોરથી રાજકોટના તમામ રસ્તાઓ ખંઢેરી તરફ ફંટાશે અને સાંજે ૭ કલાકે શહેરના રાજમાર્ગો પર જાણે સ્વયંભુ સંચારબંધી લાદી દીધી હોય તેવો માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચ પૈકીની બીજી મેચ રમાશે. દિલ્હી ખાતે રમાયેલી પ્રથમ મેચમાં શાનદાર જીત હાંસલ કરનાર ભારતીય ટીમ રાજકોટ મેચ માટે પણ હોટ ફેવરિટ માનવામાં આવી રહી છે. આજની મેચમાં જીત હાંસલ કરી શ્રેણી કબજે કરવાના બુલંદ ઈરાદા સાથે વિરાટ સેના મેદાનમાં ઉતરશે. સાંજે ૭ કલાકે મેચનો આરંભ થશે.
વન-ડે શ્રેણીનો ન્યુઝીલેન્ડની ૨-૦થી પરાજય આપ્યા બાદ ઘર આંગણે ભારતીય કિવીઝને શ્રેણીમાં કારમો પરાજય આપવાનો મજબુત ઈરાદો ધરાવે છે. દિલ્હી ખાતે રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો. આજે રાજકોટમાં જામનગર રોડ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ત્રણ ૨૦-૨૦ મેચની શ્રેણીનો બીજો મેચ રમાશે. બેટસમેનો માટે સ્વર્ગસમી મનાતી ખંઢેરીની વિકેટ પર જીત હાંસલ કરવા માટે બુકીબજારમાં ભારતીય ટીમ હોટ ફેવરિટ માનવામાં આવે છે. આમ પણ ખંઢેરીનું ગ્રાઉન્ડ ટીમ ઈન્ડિયા માટે લક્કી રહ્યું છે. અહીં રમાયેલી એક માત્ર મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાની ૬ વિકેટે કારમો પરાજય આપ્યો હતો. ભારતીય ટીમમાં આક્રમક ઓપનર રોહિત શર્મા, શિખર ધવન, સુકાની વિરાટ કોહલી, પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની, મનિષ પાંડે, અજીંકય રહાણે અને હાર્દિક પંડયા જેવા આક્રમક બેટસમેનો સામેલ છે તો સામે હરીફ ટીમ ન્યુઝીલેન્ડમાં સુકાની કેન વિલિયમ્સ, મુનરો, રોસટેલર, ગુપ્તીન અને લાદન જેવા બેટસમેનો હોય. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટ રસિકોને આજે એક રોમાચક મેચનો આનંદ માણવાનો સુવર્ણ મોકો મળશે.
બેટસમેનોને યારી આપતી અને બોલરો માટે નર્ક સમાન મનાતી ખંઢેરીની વિકેટ પર સામાન્ય રીતે કોઈપણ ટીમ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લેતી હોય છે. જોકે કોઈપણ સ્કોર આ વિકેટ પર સુરક્ષિત માનવામાં આવતો નથી. કારણકે અહીં રમાયેલા એક માત્ર મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૨૦૦ રનનો તોતીંગ જુમલો ખડકયો હતો. જે ભારતે યુવરાજસિંહની આક્રમક બેટીંગના સથવારે ૧૯.૫ ઓવરમાં હાંસલ કરી લીધો હતો અને ૬ વિકેટે શાનદાર જીત મેળવી લીધી હતી. ખંઢેરીની વિકેટ પર એક વખત સેટ થઈ ગયા બાદ બેટસમેનને આઉટ કરવો બોલરો માટે મહામુશ્કેલ બની જાય છે.
જે રીતે ભારતીય ટીમના બંને ઓપનર રોહિત શર્મા અને શિખર ધવને દિલ્હી ખાતે રમાયેલા પ્રથમ મેચમાં આક્રમક બેટીંગ કરી હતી. તે જોતા એવું લાગી રહ્યું છે કે, રાજકોટ આજે રમાનારી બીજી મેચ પણ હાઈસ્કોરીંગ અને રોમાંચક રહેશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ક્રિકેટ રસિકો એવું ઈચ્છી રહ્યા છે કે આજે ભારત અને ન્યુઝીલેન્ડના બેટસમેનો ખંઢેરીની વિકેટ પર ચોકકા-છગ્ગાની આતશબાજી બોલાવે. સાંજે ૭ કલાકે મેચનું જીવંત પ્રસારણ થશે.