નર્મદા: રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન નિમિત્તે “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. જેના પૂર્વે રાજપીપળાના રાજ માર્ગ પર ‘‘રન ફોર યુનિટીના ભાગરૂપે આજરોજ તા. 29 ઓક્ટોબરના રોજ રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં “રન ફોર યુનિટી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈને ફિટ ઈન્ડીયાનો સંદેશ આપ્યો હતો. આગામી તા. 30-31 મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાના પ્રવાસે આવી રહ્યાં છે અને રાષ્ટ્રીય એકતા દિવસે ઉપસ્થિત રહી પ્રજાને રાષ્ટ્રજોગ સંબોધન કરશે.

જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં “રન ફોર યુનિટી” દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતેથી શરૂ થઇને ધાબા ગ્રાઉન્ડ રમત સંકુલ ખાતે આ રેલીની પૂર્ણાહુતિ થઈ હતી. જેમાં યુવાનો, રમતવીર સહિત સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લઈને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના દર્શન કરાવી ફિટ ઈન્ડિયા સંદેશ વ્યાયામ-કસરતનો પેગામ લોકો સુધી પ્રસરાવ્યો હતો. સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના સુત્રને સાકાર કર્યો હતો. “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી પૂર્વે યોજાયેલ ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતાની શપથ સૌએ ગ્રહણ કર્યા હતાં. આ “રન ફોર યુનિટી” કાર્યક્રમમાં જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારી દિનેશ ભીલ અને અન્ય કોચ ટ્રેનર અને વ્યાયામ કોલેજના પ્રોફેસર્સ ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.