૩૦ હજારથી વધુ લોકોએ લગાવી એકતા માટે દોડ: પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ: રાષ્ટ્રીય એકતા દિવસના ખાસ શપથ લેતા શહેરીજનો

અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૩મી જન્મજયંતીના પાવન અવસરે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નર્મદા જિલ્લાના કેવડીયા ગામ નજીક આવેલા સાધુ બેટ ખાતે સરદારની વિશ્વકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

ત્યારે રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા કલેકટર તંત્ર અને શહેર પોલીસના સંયુકત ઉપક્રમે શહેરના રેસકોર્સ રીંગ રોડ ખાતે આજે સાંજે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકતા માટે ૩૦ હજારથી વધુ લોકોએ ઉત્સાહભેર દોડ લગાવશે. દોડવીરોને પ્રોત્સાહિત કરવા માટે ઠેર-ઠેર ડી.જે. સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રન ફોર યુનિટી પૂર્ણ થયા બાદ હજારો લોકો રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કરશે. રન ફોર યુનિટી માટે શહેરીજનોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૩મી જન્મજયંતી અવસરે આજે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે મહાપાલિકા દ્વારા આજે સવારે બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. રાજય સરકારની સુચના અનુસાર રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા કલેકટર તંત્ર અને શહેર પોલીસના સંયુકત ઉપક્રમે રેસકોર્સ રીંગ રોડ ખાતે સાંજે ૫:૩૦ કલાકે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વિવિધ સામાજીક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને એનજીઓ સહિત ૩૦ હજારથી વધુ લોકો ઉત્સાહભેર જોડાશે. આ અવસરે પોલીસ દ્વારા રીંગ રોડ પર ભવ્ય માર્ચ પાસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માર્ચ પાસ્ટ પૂર્ણ થયા બાદ મેયર બીનાબેન આચાર્ય રન ફોર યુનિટીને લીલીઝંડી આપશે. રેસકોર્સ રીંગ રોડ ફરતે ૨.૭૦ કિલોમીટરના રૂટ પર આ રન ફોર યુનિટીમાં શહેરીજનો એકતા માટે દોડ લગાવશે. દોડવીરોને ઉત્સાહી કરવા માટે રેસકોર્સ રીંગ રોડ ફરતે અલગ-અલગ જગ્યાએ ડી.જે. સિસ્ટમ મુકવામાં આવી છે.

તમામ દોડવીરોને રન ફોર યુનિટીના ખાસ લોગો વાળી ટોપી પણ આપવામાં આવશે. મેયર બીનાબેન આચાર્ય ઉપરાંત સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેટરો અને વિવિધ સંસ્થાના આગેવાનો પણ આ રન ફોર યુનિટીમાં જોડાશે.રન ફોર યુનિટી પૂર્ણ થયા બાદ સામેલ થનાર દરેક વર્ગના નાગરિક, વિદ્યાર્થી, ભાઈઓ અને બહેનોને રાષ્ટ્રીય એકતા દિવસના ખાસ શપથ લેવડાવવામાં આવશે. રન ફોર યુનિટીને લઈ શહેરીજનોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.