રાજકોટ શહેરનું વાતાવરણ ક્રિકેટમગ્ન બની ગયું છે. આજે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે મેચ રમાવા જઈ રહી છે. ત્યારે ક્રિકેટરસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ક્રિકેટરસિકો આ મેચ જોવા રાજકોટ પધારશે. આજે રમાનારી ખૂબ જ મહત્વની છે, કારણ કે વર્લ્ડ કપ પહેલાની આ ફાઈનલ અંતિમ વન-ડે મેચ છે. જેથી દરેકની નજર આ મેચ પર છે. અને બીજી બાજુ વાત કરવામાં આવે તો વર્લ્ડકપમાં ટિમ ઇન્ડિયા પોતાનો પ્રથમ લીગ મેચ ઓસ્ટ્રેલિયા સામે જ રમશે જેથી આજનો મુકાબલો ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવવાના ઈરાદા સાથે રાજકોટમાં મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા 3 વનડે શ્રેણીમાં 2-0થી આગળ છે. રાજકોટમાં ત્રીજી વનડે આજે ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ મેચ માટે બંને ટીમોના પ્લેઇંગ 11માં મોટા ફેરફારો જોવા મળી શકે છે. હાર્દિક પંડ્યા સિવાય ઓપનર શુભમન ગિલ, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલ પ્લેઈંગ 11માં સામેલ કરાશે નહીં. આજે 11 વાગ્યે બંને ટીમના ખેલાડીઓ ખંઢેરી ગ્રાઉન્ડ પહોંચી ગયા હતા અને મેચ પૂર્વે વોર્મઅપ કરી પરસેવો પાડ્યો હતો.
બેટીંગ પેરેડાઇઝ સમી ખંઢેરીની પીચ પર રનનો વરસાદ થવાની સંભાવના
વર્લ્ડકપ પહેલાંની અંતિમ અને મહત્ત્વપૂર્ણ મેચમાં બન્ને ટીમ દ્વારા જીત માટે એડીચોટીનું જોર લગાવશે: બન્ને ટીમોનું સવારે મેદાન પર વોર્મઅપ
ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ: 25 કેમેરા, એક ડ્રોન, બે જિમી, બે બગી કેમેરા અને સ્પાઇડર કેમેરાની મદદથી લાઈવ પ્રસારણ
રાજકોટની પિચ હંમેશા બેટ્સમેનો માટે ’સ્વર્ગ’ સમાન રહી છે. બેટ્સમેન હંમેશાં અહીં રાજ કરતા હોય છે. બોલ બેટ પર સરળતાથી આવે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં બેટ્સમેનો ચોગ્ગા અને છગ્ગા ફટકારતા જોવા મળશે. આ વિકેટ પર ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા માંગશે. આ મેદાન પર અત્યાર સુધીમાં 3 વન-ડે મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે ત્રણેયમાં જીત મેળવી છે. અહીં સરેરાશ સ્કોર 311 છે.ભારતીય ખેલાડીઓ વાઇટવોશ કરવા માટે મેદાન ઉપર ઊતરશે તો ઓસ્ટ્રેલિયન ટીમ પણ વાઇટવોશથી બચવા માટે ઊતરશે.
વર્લ્ડકપ પહેલાંની ફાઈનલ અને મહત્ત્વપૂર્ણ મેચ માટે બન્ને ટીમ દ્વારા જીત માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે મંગળવારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ બપોરના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી સખત તાપમાં નેટ પ્રેક્ટિસ કરી હતી, જ્યારે ભારતીય ટીમના ખેલાડીઓ સાંજે 5 વાગ્યે પ્રેક્ટિસ કરવા પહોંચ્યા હતા અને નેટ પ્રેક્ટિસ કરી પરસેવો પાડ્યો હતો.રાજકોટમાં આકાશ વાદળછાયું રહેવાની આગાહી છે. જો કે, વરસાદથી કોઈ વિક્ષેપ સર્જાય તેવી ધારણા નથી. મેચના બે દિવસ બાદ વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાનો અંદાજ છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ 11
પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, કેમરૂન ગ્રીન, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા, સીન એબોટ
વર્લ્ડકપમાં ભારત-ઓસ્ટ્રલિયા પોતાના પ્રથમ લીગ મેચમાં સામસામે ટકરાશે
રાજકોટમાં સાત મહિના બાદ ફરી જામશે ક્રિકેટનો જંગ કારણ કે ફરી એક વખત રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ ફાઇનલ મેચ યોજાવા જઇ રહી છે. આ પછી વર્લ્ડકપની શરૂઆત થશે એટલે કે વર્લ્ડ કપ પહેલાની આ ફાઇનલ મેચ બન્ને ખેલાડીઓ માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થશે. ટિમ ઇન્ડિયા છેલ્લા ઘણા સમયથી વર્લ્ડકપ માટેની ટિમ બેલેન્સ કરવા મથામણ કરી રહી છે.ત્યરે આજની મેચ બન્ને ટિમો માટે ખુબ જ મત્ત્વપુર્ણ છે કેમ કે વર્લ્ડકપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બને ટિમ પોતાના પ્રથમ લીગ મેચમાં સામસામે ટકરાવાની છે.આજની મેચમાં ભારતીય ખેલાડીઓ વાઇટવોશ કરવા માટે મેદાન ઉપર ઊતરશે તો ઓસ્ટ્રેલિયન ટીમ પણ વાઇટવોશથી બચવા માટે ઊતરશે.
45 ગ્રાઉન્ડ સ્ટાફની અથાગ મહેનત રંગ લાવી
આજે રાજકોટમાં ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર શ્રેણીનો અંતિમ મેચ માટે ખંઢેરી સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેદાન તૈયાર કરવા પાછળ ગ્રાઉન્ડમેન મનસુખભાઇ અને તેમની ટીમના 45 સભ્યોની મહેનત છે. જેમાં 25 પુરૂષ અને 20 મહિલાનો સમાવેશ થાય છે. ગ્રાઉન્ડ લીલુંછમ્મ , યોગ્ય પિચ અંને આઉટ ફિલ્ડ સારી બને તે માટે તા. 18 સપ્ટેમ્બરથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. 10 દિવસની કામગીરી દરમિયાન વચ્ચે વચ્ચે છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. પરંતુ પીચ સહિત ગ્રાઉન્ડને કોઈ ક્ષતિ ન પહોંચે તે માટે સતત મહેનત કરવામાં આવી હતી. આ તકે ગ્રાઉન્ડમેને જણાવ્યું હતું કે, 10 દિવસની કઠિન મહેનત બાદ અમારી પરીક્ષા તો આજે લેવાશે. વરસાદની નહિવત સંભાવના વચ્ચે અમારો તમામ ગ્રાઉન્ડ સ્ટાફ આ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.
ભારતીય ટીમે દરેક કપરી પરિસ્થિતિમાં શ્રેષ્ઠ પરિણામ આપ્યું છે : રોહિત શર્મા
ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે ભારતીય ટીમ દરેક કપરી પરિસ્થિતિમાં ઉત્કૃષ્ટ પરિણામ આપ્યું છે. વિશ્વ કપ પૂર્વેજ ઓસ્ટ્રેલિયા સામેનો આ મેચ ઘણા અંશે મહત્વનો છે. વધુમા તેને જણાવ્યું હતું કે રાજકોટના મેચમાં ગીલ,શમી, હાર્દિક, સાર્દુલ, અક્ષર નહિ રમે. શર્મા જણાવ્યું હતું કે ભારત માટે છેલ્લા 10 વન-ડે ખૂબ મહત્વના નિવડ્યા છે કારણ કે છેલ્લા 10 વન-ડેમાં વિવિધ પરિસ્થિતિનો સામનો દરેક ખેલાડીઓએ કરવો પડ્યો છે અને તેમાં પણ ભારતીય ખેલાડીઓ ઉત્કૃષ્ટ રીતે બહાર આવ્યા છે. આ તેઓ જણાવ્યું હતું કે રાજકોટ ખાતે ઓસ્ટ્રેલિયા સામેનો મેચ પડકારરૂપ નિવશે કારણ કે ઘણા સારા ખેલાડીઓ વાઇરલ બીમારીના કારણે રમી રહ્યા નથી ત્યારે જે બેન્ચ પ્લેયર છે તેને અજમાવવામાં આવશે. વધુમાં તેને વિશ્વને ધ્યાને લઈ જણાવ્યું હતું કે ભારતીય ટીમ પાસે 15 ખેલાડીઓની યાદી કરવાનો 28મી સપ્ટેમ્બર સુધીનો છેલ્લો સમય છે ત્યારે રાજકોટનો મેચ નિર્ણાયક બની રહેશે.