બોમ્બના બદલે કેપેસીટર મળી આવતા પોલીસે હાશકારો અનુભવ્યો: ટીખડી સ્વભાવના શખ્સે પાડોશીને હેરાન કરવા અફવા ફેલાવ્યાની શંકા
શહેરમાં નવ નિયુકત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફુડ પેટ્રોલિંગ શરૂ કરાવ્યું છે ત્યારે પોલીસ સ્ટાફને દોડતા કરવા માટે ટીખડી સ્વભાવના શખ્સે લક્ષ્મીવાડીમાં બોમ્બ મુકાયાની અફવા ફેવલાત ક્રાઇમ બ્રાન્ચ, ભક્તિનગર, બોમ્બ ડીસ્પોઝ સ્કવોડ અને ડોગ સ્કવોર્ડનો સ્ટાફ લક્ષ્મીનગરમાં દોડી ગયો હતો અને સઘન ચેકીંગના અંતે બોમ્બ નહી પરંતુ કેપેસીટર હોવાનું બહાર આવતા પોલીસ સ્ટાફે હાશકારો અનુભવ્યો હતો.લક્ષ્મીવાડી શેરી નંબર 5માં ઓલા શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં બોમ્બ મુકવામાં આવ્યાની પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતા ભક્તિનગર પી.આઇ, એલ.એલ.ચાવડા, ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. વાય.બી.જાડેજા, જે.વી.ધોળા બોમ્બ ડીસ્પોઝ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ સાથે લક્ષ્મીવાડીમાં દોડી ગયા હતા.
પોલીસ દ્વારા સઘન ચેકીંગ શરૂ કરાયા બાદ બોમ્બ નહી પરંતુ કેપેસીટર હોવાનું બહાર આવ્યું હતું. બોમ્બની અફવા કોને અને શા માટે ફેલાવી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા એપાર્ટમેન્ટમાં રહેતા બે પાડોશી વચ્ચે થયેલા ઝઘડાના કારણે ડરાવવા માટે બોમ્બ મુકયાની અફવા ફેલવવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ખોટી અફવા ફેલાવી ભયનો માહોલ સર્જનાર શખ્સ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાના નિર્દેશ મળી રહ્યા છે.