કમોસમી વરસાદ અને ક્લાઈમેટ ચેન્જ સહિતની મુશ્કેલીઓ વચ્ચે દેશમાં ખેત ઉત્પાદન ઘટવાની વાતો વચ્ચે પણ વર્ષ 2022-23માં 330 મિલિયન ટન ઉત્પાદન થવાનો અંદાજ
અફવાઓનો છેદ ઉડયો છે. કારણકે ખેત ઉત્પાદન 150 લાખ ટન વધતા ભંડારો છલકાયા છે. કમોસમી વરસાદ અને ક્લાઈમેટ ચેન્જ સહિતની મુશ્કેલીઓ વચ્ચે દેશમાં ખેત ઉત્પાદન ઘટવાની વાતો વચ્ચે પણ વર્ષ 2022-23માં 330 મિલિયન ટન ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
2022-23માં ભારતનું ખાદ્યાન્ન ઉત્પાદન વધીને 330.5 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે પાછલા વર્ષના 315.6 મિલિયન ટનની સરખામણીએ નવો વિક્રમ સ્થાપશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ત્રીજા આગોતરા અંદાજમાં ઘઉં, ચોખા, મકાઈ, પોષક અને બરછટ અનાજ, શેરડી અને તેલીબિયાંના વિક્રમી ઉત્પાદનનો અંદાજ છે.
2022-23 દરમિયાન ઘઉંનું કુલ ઉત્પાદન 112.7 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષની સરખામણીમાં 5 મિલિયન ટન વધુ છે. દેશમાં ચોખાનું ઉત્પાદન 135.5 મિલિયન ટન થવાનો અંદાજ છે જે પાછલા વર્ષના ઉત્પાદનની સરખામણીએ 6 મેટ્રિક ટન વધુ છે. 2022-23 દરમિયાન મકાઈનું ઉત્પાદન 35.9 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે પાછલા વર્ષના ઉત્પાદન કરતાં 2.1 મિલિયન ટન વધુ છે. જ્યારે પોષક અને બરછટ અનાજનું ઉત્પાદન 54.7 મિલિયન ટન હોવાનો અંદાજ છે, જે પાછલા વર્ષના ઉત્પાદન કરતાં 3.6 મિલિયન ટન વધુ છે, જ્યારે શેરડીનું ઉત્પાદન 494.2 મિલિયન ટન, જે ગયા વર્ષ કરતાં 54.8 મિલિયન ટન વધુ હોવાનો અંદાજ છે. 2022-23માં કઠોળનું કુલ ઉત્પાદન 27.5 મિલિયન ટન રહેવાનો અંદાજ છે.
સોયાબીન, રેપસીડ-મસ્ટર્ડનું ઉત્પાદન અનુક્રમે 14.9 મિલિયન ટન અને 12.4 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષના ઉત્પાદન કરતાં અનુક્રમે 1.9 મિલિયન ટન અને 0.5 મિલિયન ટન વધુ છે. 2022-23 દરમિયાન દેશમાં તેલીબિયાંનું કુલ ઉત્પાદન 40.9 મિલિયન ટન થવાનો અંદાજ છે. કપાસનું ઉત્પાદન 34.3 મિલિયન ગાંસડી હોવાનો અંદાજ છે.
ભારત જરૂર પડી ત્યારે ડબ્લ્યુટીઓની વિરુદ્ધ જઈ અન્નદાતા બન્યું છે
વિશ્વમાં જ્યારે જરૂર પડી છે ત્યારે ભારત ડબ્લ્યુટીઓના વિરુદ્ધમાં જઈને અન્નદાતા પણ બન્યું છે. શ્રીલંકા હોય કે અફઘાનિસ્તાન કે પછી અન્ય કોઈ દેશ અત્યાર સુધીમાં ભારતે મુશ્કેલીમાં મુકાયેલ દેશને ક્યારેય અનાજની મદદ માટે હાથ લંબાવવામાં પાછી પાની કરી નથી. આઆમ ભારતે અન્નદાતા હોવાના અનેક વાર વિશ્વને પરચા આપ્યા છે.
જરૂરિયાતમંદ કરોડો લોકોને મફત અનાજ અપાઈ છે
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટમાં ગરીબ વર્ગોને મફત અનાજ વિતરણમાં ખર્ચને મંજૂરી આપી હતી. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે થનારા ખર્ચને કેન્દ્ર સરકાર વહન કરે છે તેના માટે 2 લાખ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી. જેનાથી 80 કરોડથી વધુ ગરીબ વર્ગના લાભાર્થીઓને ફાયદો થઇ રહ્યો છે. આ પરિવારોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે.