મ્યુ.બોર્ડ બેઠકમાં લોકપ્રશ્નોની ચર્ચા કોરાણે મુકી શાસક અને વિપક્ષે પ્રજાએ મુકેલા વિશ્વાસ નો ભંગ કર્યો છે: ‘આપ’નો રોષ
બેમાંથી એક સમજયા હોત તો પ્રજાને રાહત થાત
જનરલ બોર્ડમાં જવાબદાર આગેવાનોના બેજવાબદાર વર્તન અંગે ‘આપ’ના પ્રમુખ રાજભા ઝાલા તથા ઉપપ્રમુખ શિવલાલ બારસીયાએ આક્રોશ ઠાલવી જણાવ્યું છે કે, બોર્ડ બેઠકમાં શાસક અને વિપક્ષે પ્રજાના પ્રશ્નોને અભેરાઈએ ચડાવી જનતાએ મુકેલ વિશ્વાસનો ભંગ કર્યો છે.
આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજભા ઝાલા અને ઉપપ્રમુખ શિવલાલ બારસિયાએ એક નિવેદનના માધ્યમથી કોર્પોરેશન જનરલ બોર્ડની હુંસાતુશીને કડક શબ્દોમાં વખોડતા જણાવ્યું છે કે કોર્પોરેશનના જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્નો ચર્ચવાનું અભેરાઈએ ચડાવીને માત્ર રાજકીય હુંસાતુશીનું નાટક કરીને શાસક અને વિપક્ષ પ્રજા સાથે દ્રોહ કરે છે.
જનરલ બોર્ડમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે રાજકીય હુંસાતુશીમાં બોર્ડનો સમય પસાર કરે છે. જે ખરેખર ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર પ્રજાએ મુકેલ વિશ્વાસનો ભંગ કરીને મતદારોનો દ્રોહ શાસક અને વિપક્ષ કરી રહ્યાં છે. બંને આગેવાનોએ ગઈકાલના જનરલ બોર્ડમાં ભજવાયેલા નાટકને ટાંકતા જણાવ્યું છે કે, શાસકોનો ઘમંડ અને વિપક્ષની અણઆવડતના કારણે જનરલ બોર્ડની
કાર્યવાહી ફારસરૂપ થઈ હતી અને પ્રજાના પ્રશ્નોની ચર્ચા કોરાણે ચડી ગઈ હતી. જનરલ બોર્ડની કાર્યવાહીની વિસ્તૃત માહિતી ટાંકીને જણાવ્યું હતું કે, વિપક્ષના એક કોર્પોરેટરની નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલેથી કોર્પોરેશનમાં જનરલ બોર્ડમાં હાજરી પુરાવવા આવ્યા હતા. વિપક્ષના કોર્પોરેટરની હાજરીની સહી સભા ખંડના બદલે તેમની શારીરિક હાલતને કારણે કોર્પોરેશનના ગ્રાઉન્ડમા સહી કરી હતી.
પણ સત્તાના નશામાં ચૂર શાસકો માનવતા ભૂલી અને રાજકીય દાવપેચ ચાલુ કરીને બીમાર સદસ્યને ગેરહાજર ગણવા તેવું નકકી કર્યું હતું. તેના વિરુદ્ધ મા વિપક્ષે શાસકો સામે રજૂઆતો અને દેખાવો ચાલુ કર્યા અને પ્રજાના પ્રશ્નો ચર્ચવાનો સમય રાજકીય હુંસાતુશી અને હોહા ગોકીરો કરવામાં પસાર થઈ ગયો એ સૂચવે છે કે શાસકો અને વિપક્ષને પ્રજાના પ્રશ્ન ચર્ચવા માં જો રસ હોત તો એક કોર્પોરેટર હાજર ગણાય તો શાસકોની સત્તામાં કોઈ પરિવર્તન ન થાત. તેવી જ રીતે વિપક્ષે પણ કાયદાકીય રીતે લડત કરવાનું નકકી કરી ને હોહાં ગોકીરો કર્યા વગર પ્રજાના પ્રશ્ર્નોની ચર્ચા કરી હોત તો રાજકોટની જનતાને એવું લગત કે એક પક્ષ તો જનતા ના પ્રશ્ને ચિંતિત છે. પરંતુ રાજકોટની જનતાની કમનસીબી છે કે એક પણ જનરલ બોર્ડ માં પ્રજાકીય પ્રશ્ર્નોની ચર્ચાજ નથી થતી તેમાં શાસકો મુખ્ય જવાબદાર છે. વિપક્ષની અણ આવડત અને મળેલા અધિકારોનો ઉપયોગ કરીને પ્રજાની સમસ્યા ને ન્યાય આપવામા નિષ્ફળ નિવડ્યા છે.