બનાવટી રિવ્યુ પર અંકુશ મુકવા નિયમો ઘડનાર પ્રથમ દેશ બનતું ભારત
અનેકવાર ઓનલાઈન ખરીદીમાં છેતરપિંડી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ઇ-કોમર્સ કંપનીની સાઇટ પર પ્રોડક્ટનો રિવ્યુ જોઈને લોકો ખરીદી કરી લેતા હોય છે પરંતુ ઘણીવાર આ રિવ્યુ બનાવટી હોય છે અને તે રિવ્યુના લીધે ગ્રાહક છેતરાઈ જતો હોય છે. હવે ભારત વિશ્વભરમાં આ પ્રકારના રિવ્યુ સામે પગલાં લેનાર પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે.
ઈ-કોમર્સ વેબસાઈટ હવે વધુ વેચાણ માટે કોઈ ઉત્પાદન કે સેવા માટે પૈસા ચૂકવીને રિવ્યુ કરાવશે તો તેમનું આવી બનવાનું છે. પૈસા ચૂકવીને જો ઇ-કોમર્સ સાઇટ રિવ્યુ લેશે તો પેજ પર આ રિવ્યુને ’પેઈડ રિવ્યુ’ તરીકે દર્શાવવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલય 25 નવેમ્બરથી આ માટે એક નવું માળખું લાગુ કરવા જઈ રહ્યું છે. નવી માર્ગદર્શિકા હેઠળ, જે વેબસાઇટ્સ સમીક્ષામાં ભૂલો કરવાનું ચાલુ રાખે છે તે અયોગ્ય વ્યવસાય પ્રથાઓમાં સામેલ હોવાનું માનવામાં આવશે. ઉપભોક્તા પંચ તેમની સામે દંડાત્મક પગલાં લઈ શકે છે. તે જ સમયે તે સમીક્ષાઓ જે તૃતીય પક્ષો દ્વારા લખવામાં આવી છે અથવા ખરીદવામાં આવી છે તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સરકાર ફેક રિવ્યુ એટલે કે બનાવટી સમીક્ષાઓ પર અંકુશ લગાવવા માટેના પ્રથમ પગલા તરીકે વિચારી રહી છે. મંત્રાલયે તેને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ સાથે મળીને તૈયાર કર્યું છે. મંત્રાલયનું માનવું છે કે નવા ફ્રેમવર્કથી કેટલીક કંપનીઓને નુકસાન થઈ શકે છે, પરંતુ ગ્રાહકોને ફાયદો થશે. મંત્રાલયના સચિવ રોહિત કુમાર સિંહના જણાવ્યા અનુસાર ઓનલાઈન શોપિંગ અને બિઝનેસ માટે ઓનલાઈન સમીક્ષાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સિંહના મતે ભારત આવું કરનાર પ્રથમ દેશ છે, અન્ય ઘણા વિકસિત દેશો આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે અને ફ્રેમવર્ક ઘડવાની પ્રક્રિયામાં છે.
જ્યારે ફ્રેમવર્કનું પ્રારંભિક પાલન સ્વૈચ્છિક હશે જે પાછળથી ફરજિયાત બનાવવામાં આવી શકે છે. ઈ-કોમર્સ કંપનીઓ ધારાધોરણોનું પાલન કરે તેવી અપેક્ષા છે અને આવી કંપનીઓ આગામી 15 દિવસમાં બીઆઈએસ તરફથી નવા સ્ટાન્ડર્ડ આઈએસ-19000:2022 પ્રમાણપત્ર મેળવશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર ઘણી વખત ઈ-કોમર્સ કંપનીઓ પોતાની સેવા અથવા ઉત્પાદનોની સમીક્ષા તેમની વેબસાઈટ અથવા એપ પર કરાવે છે. આ માટે પૈસા ચુકવવામાં આવે છે. હવે તેને પ્રકાશિત કરતી વખતે, કંપનીએ જણાવવું પડશે કે આ સમીક્ષા ક્યારે, કોના દ્વારા અને શા માટે કરવામાં આવી હતી.
મંત્રાલયે નકલી રિવ્યૂને મોટો બિઝનેસ ગણાવ્યો છે. માલદીવ, તુર્કીમાં આવી કંપનીઓ ફૂલીફાલી રહી છે, જે પૈસા લઈને રિવ્યુ લખે છે. લેખકોની ચકાસણી કર્યા વિના સમીક્ષાઓ કરવામાં આવી રહી છે.
નકલી રિવ્યૂ પર જારી કરવામાં આવેલી સૂચનાઓ હેઠળ હવે તમામ પ્રકારના રેટિંગ રિવ્યૂને માત્ર 5 સ્ટાર જ નહીં પરંતુ પહેલા પેજ પર બતાવવાની રહેશે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં ઈ-કોમર્સ ઝડપથી વિકસ્યું છે, પરંતુ ઉત્પાદનોને સ્પર્શ કરવા, પરીક્ષણ કરવા અને ખરીદવા માટે ઉપલબ્ધ નથી.
લોકો કંપનીઓ, ઈ-કોમર્સ વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અન્ય ગ્રાહકો દ્વારા પોસ્ટ કરવામાં આવેલી સમીક્ષાઓના આધારે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન વગેરે ખરીદે છે. કેટલીકવાર સમીક્ષાઓ નકલી હોય છે. હવે તેમને રોકવા માટે ઈ-કોમર્સ કંપનીઓ, ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો, ગ્રાહક સંસ્થાઓ અને કાયદાકીય નિષ્ણાતોની મદદથી એક માળખું બનાવવામાં આવ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત આવું કરનાર પ્રથમ દેશ છે.