નિર્ધારીત સમય વિત્યાના એક કલાક સુધી ધારાસભ્ય સહિતના મહેમાનો ન ડોકાતા પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ સેવા સેતુ શરૂ કરાવી દીધો

રાજય સરકાર દ્વારા ચોથા તબકકાના સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે કોર્પોરેશન દ્વારા શહેરના વોર્ડ નં.૩, ૫ અને ૮માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયા હતા. વોર્ડ નં.૩માં ભાજપના ધારાસભ્ય સહિતના શાસકો નિર્ધારીત સમય વિત્યાના એક કલાક સુધી સ્થળ પર ન દેખાતા પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા અને વોર્ડ નં.૩ના કોર્પોરેટર દિલીપ આસવાણીએ સેવા સેતુ કાર્યક્રમનો દિપ પ્રાગટય કરી પ્રારંભ કરાવી દીધો હતો.

શહેરના વોર્ડ નં.૩માં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા ગુ‚નાનક કોમ્યુનિટી હોલ ખાતે આજે ચોથા તબકકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેનો સતાવાર સમય સવારના ૯ કલાકે હતો અને આ કાર્યક્રમનું વિધીવત પ્રારંભ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી અને વોર્ડ નં.૩ના પ્રભારી દિનેશભાઈ કારીયા સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવનાર હતો.

જોકે નિર્ધારીત સમયના એક કલાક વિત્યા બાદ પણ ધારાસભ્ય સહિતના ભાજપના શાસકો કે અગ્રણીઓ સેવા સેતુના સ્થળે ન ડોકાતા અરજદારો અકળાઈ ઉઠયા હતા. અંતે વોર્ડ નં.૩ના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ જ દિપ પ્રાગટય કરી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવી દીધો હતો તથા લાભાર્થીઓને વિવિધ વસ્તુઓનું વિતરણ કરી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.