• કોંગ્રેસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર બનશે, શહેર પ્રમુખ અને કાર્યકારી પ્રમુખનું પ્રજાને વચન:‘અબતક’ના આંગણે કોંગ્રેસના પદાધિકારીનું શુભેચ્છા મુલાકાત
  • સ્માર્ટ સિટી મુદ્દે કેન્દ્ર સરકારે જ રાજકોટ મહાપાલિકાનું નાક કાપ્યું: કોંગ્રેસ

રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ ત્રિવેદી અને કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયાએ આજે એક મુલાકાત દરમિયાન કોંગ્રેસ આગામી દિવસોમાં ખરા અર્થમાં પ્રજાની મિત્ર બનશે તેવી ખાતરી આપી છે. તેઓ રાજકોટ કોંગ્રેસનું નવસર્જન પણ કરવા માગે છે અને આ માટે યુવાનોને આગળ આવવા અનુરોધ પણ કર્યો છે. પ્રદીપ ત્રિવેદીએ કહ્યું  છે કે, મહાપાલિકાના ભાજપના અંધેર વહીવટને લીધે અનેક એવી સમસ્યા છે કે જે બારમાસી છે. તેનો ક્યારેય ઉકેલ આવતો જ નથી. આવી સ્થિતિ હોવા છતાં ભાજપના શાસકો પ્રજાને વિકાસના નામે મૂરખ બનાવે છે.

અબતકની શુભેચ્છા મુલાક્ાતે આવેલા  શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ કહ્યું છે કે, મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે અને આ શાસન સુશાસન હોવાના બણગાં વારંવાર ફૂંકવામાં આવે છે પરંતુ, લોકો સત્ય જાણી ગયા છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને એ સરકારના જ એક મંત્રાલયે તાજેતરમાં જ જાહેર કરેલા એક રિપોર્ટમાં રાજકોટમાં સ્માર્ટ સિટીના નામે લોકોને મૂરખ બનાવવામાં આવ્યા હોવાનો નિર્દેશ કર્યો હતો. કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી બનાવવા માટે કરોડો રૂપિયા ફાળવ્યા હતા પરંતુ રાજકોટના આ અણઘડ શાસકોએ આવેલા નાણાં વેડફી નાખ્યા છે. આ બાબત ઘણી શરમજનક છે અને આ મુદ્દો કોંગ્રેસ પ્રજા સમક્ષ લઈ જશે.

કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયાએ કહ્યું છે કે, રાજકોટનો જે અણઘડ વિકાસ થયો છે તે પ્રજાને ખૂંચી રહ્યો છે. કોઈ શહેરનો સમતોલ વિકાસ થાય તો તે શહેર સમૃદ્ધ બને પરંતુ રાજકોટમાં તો ચોક્કસ લોકોની ખટાવી દેવા માટે અમુક વિસ્તારનો જ વિકાસ કરવામાં આવે છે. આજે પણ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જે દોજખ જેવી જિંદગી જીવી રહ્યા છે. રાજકોટમાં લાખ્ખો લોકો એવા છે જેમને 20 મિનિટ પણ પૂરતું પાણી મળતું નથી. અત્યારે ચુમાસુ ચાલી રહ્યું છે ત્યારે ઘરના મહિલા સભ્યોએ પીવાનું પાણી મેળવવા માટે દોડાદોડી કરી રહ્યા છે એ નિષ્ફળ શાસનની સાબિતી જ છે. દરેક ચૂંટણી સમયે રાજકોટમાં 24 કલાક પાણી આપશુ તેવા ઠાલા વચનો આપીને પ્રજાને ભરમાવતા ભાજપના શાસકો એક ટાઈમ પણ પૂરતું પાણી આપી શક્યા નથી તે જગજાહેર છે.

આવી જ રીતે રાજકોટના રસ્તાની હાલત પણ ભંગાર છે. ચોમાસામા તૂટી ગયેલા રસ્તા રીપેર કરી દીધા છે તેવું જાહેર કરીને કરોડો રૂપિયાનું પાણી કરી નાખવામાં આવ્યું છે પણ સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી અને આજે પણ વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે. રાજકોટ શહેરના આંતરિક રસ્તા પણ ખરાબ હાલતમાં છે ઠેરઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે શાસકો નવા ભેળવેલા વિસ્તારોના રસ્તા નવા બનાવવાની વાતો કરે છે. પ્રદીપ ત્રિવેદીએ કહ્યું છે કે,  રાજકોટ ભાજપના અંધેર વહીવટને લીધે જ પ્રજા પારાવાર હાલાકી ભોગવી રહી છે. રાજકોટની પ્રજા શાંત અને સમજદાર છે પણ ભાજપના શાસકો તેને મૂરખ સમજીને વિકાસના ખોટા દાવા કર્યે રાખે છે.

તેમણે એમ પણ કહ્યું છે કે, રાજકોટને સુવિધા આપવામાં સરકાર પણ ઓરમાયું વર્તન દાખવી રહી છે. લાંબા સમયથી રાજકોટ-અમદાવાદ સિક્સ લેનનું કામ ચાલી રહ્યું છે અને રોજ હજારોની સંખ્યામાં લોકો હેરાન થઈ રહ્યા છે પણ આ કામ પૂરું થતું નથી.  રાજકોટ મહાપાલિકાના શાસકો સરકારને આ કામ ઝડપથી કરવાનું કહી શકે તેવી સ્થિતિમાં પણ નથી કારણ કે, શહેરના અનેક પ્રોજેકટ પણ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે. રાજકોટની પ્રજા સાક્ષી છે કે ઓવરબ્રિજના કામમાં કેટલી ઢીલાશ થઈ રહી છે.

એઇમ્સ અને એરપોર્ટની હાલત પણ આવી જ છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બંને યોજનાઓના કામ ઝડપભેર પૂરા કરવામાં આવશે તેવી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ ત્યાં કોઈ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી નથી. એઈમ્સમાં ઓપીડી ચાલુ કરવામાં આવી છે પણ ત્યાં પહોચવા માટે એપ્રોચ રોડ સરખો તૈયાર નથી તેથી પ્રજાને પારાવાર મુશ્કેલી પડી રહી છે. પ્રદીપ ત્રિવેદીએ કહ્યું છે કે, રાજકોટમાં કોંગ્રેસનાં તમામ હોદેદારો પ્રદેશ નેતાઓ અને સમગ્ર કોંગ્રેસ પરિવારને સાથે રાખીને કામગીરી કરશે અને કોંગ્રેસ પક્ષ પ્રજાનો ખરા અર્થમાં મિત્ર બને તે મુજબના કાર્યક્રમો આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.