સંસદમાં ધારાશાસ્ત્રીઓની ઘટતી સંખ્યા અંગે યુ યુ લલિતે ચિંતા વ્યક્ત કરી
નાગપુરમાં યોજાયેલ મહારાષ્ટ્ર નેશનલ લો યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા યુ યુ લલિતે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું કે, આપણા દેશનું શાસન કાયદા પર ચલાવવામાં આવે છે જેથી આપણી લોકશાહી સુરક્ષિત છે. ચીફ જસ્ટિસનું આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ બન્યું છે જ્યારે અવાર નવાર ભારતની લોકશાહી ખતરામાં છે તેવા નિવેદનો આપવામાં આવતા હોય છે.
કાયદાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે ચીફ જસ્ટિસને એક સવાલ કરાયો હતો કે, શું ભારતનું ન્યાયતંત્ર સાચી દિશામાં આગળ વધી રહ્યું છે? ત્યારે લલિતે જવાબ આપ્યો કે, આપણો દેશ કાયદાના શાસનથી ચાલે છે. જે વાસ્તવમાં સાચો હોય છે તેની જ જીત થતી હોય છે. આ આપણા દેશની નૈતિકતા છે જેના પર આ દેશ ઉભો છે. ન્યાયતંત્ર પણ આમાંથી બાકાત નથી. તેમણે કહ્યું કે જ્યારે કોઈ મામલો કોર્ટમાં આવે છે, ત્યારે દોષિતોને દંડીત કરવા અને જેની સાથે અન્યાય થયો છે તેને રક્ષણની છત્ર આપવી એ ન્યાયતંત્રનું કામ છે અને અમે તે કરવાનો પ્રયાસ કરીએ છીએ. યુ યુ લલિતે કહ્યું હતું કે, આપણો દેશ કાયદાના શાસનથી ચાલે છે. કાયદા આધારિત શાસનને લીધે ભારતની લોકશાહી સુરક્ષિત છે.
ઉપરાંત ભારતના મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતે ભારતની સંસદમાં ધારાશાસ્ત્રીઓની ઘટતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે સંસદમાં વકીલોની ટકાવારી ઘટી રહી છે જ્યારે દેશના બંધારણનો મુસદ્દો ઘડવામાં સામેલ મોટા ભાગના લોકો કાનૂની વ્યવસાયમાંથી હતા.
લલિતે કહ્યું કે આપણા દેશે તેના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કાનૂની પ્રતિભાઓનો લાભ લીધો છે. સામાન્ય રીતે સામાજિક સમસ્યાઓ અથવા બંધારણીય મુદ્દાઓના ઉકેલો શોધવામાં એક વકીલની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ હોય છે. વકીલ આવા મુદ્દાઓને ઉકેલવા માટે અન્ય કરતા વધુ સારી રીતે વિચારે છે, તેથી જ ભારત અને ભારતીય સમાજ તેમજ સ્વતંત્રતા સંગ્રામના જૂના નેતાઓ મુખ્યત્વે વકીલો હતા. આજે સંસદના બંને ગૃહોમાં વકીલોની ટકાવારી ઘટી રહી છે. તેમણે કહ્યું કે ન્યાયિક માળખાનો પિરામિડનો બેઝ મોટો હોવો જોઈએ, જ્યારે દેશમાં અત્યારે આ પિરામિડ ટોચ પર મોટો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, જિલ્લા ન્યાયાધીશો અને ઉચ્ચ ન્યાયતંત્ર વચ્ચે કોઈ સંપર્ક નથી તેથી એક સિસ્ટમ વિકસાવવી જોઈએ જ્યાં બંને જૂથો મળી શકે અને યોગ્ય પાસાઓ પર ચર્ચાઓ કરી શકાય.