માસુમ બાળકની બલી ચડાવવાની ઘટનાથી ચકચાર: તિક્ષ્ણ હથિયારથી ધડથી માથુ અલગ કરાયું:
આંખો કાઢી નાખેલા માથાની ઓળખ મેળવવા પોલીસ તપાસનો ધમધમાટ
૨૧મી સદીના વિજ્ઞાન અને કમ્પ્યુટર યુગમાં પણ અંધ શ્રધ્ધા કેડો ન મુકતી હોય તેમ રુખડીયાપરા વિસ્તારમાં આવેલી નદીના પટ્ટમાં માસુમ બાળકની તાંત્રિક વિધી માટે બલી ચડાવવા ધડથી માથુ વાઢી નાખ્યાનું પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. તાંત્રિક વિધી માટે માસુમ બાળકની નિર્દય શખ્સે આંખો કાઢી નાખવામાં આવ્યાનું બહાર આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્તવિગત મુજબ રુખડીયાપરા નદીના પટ્ટમાં બાળકનું વાઢી નાખેલી હાલતમાં માથુ પડયું હોવાની નદીમાં કુદરતી હાજતે ગયેલી મહિલાનાધ્યાને આવતા પોલીસ કંટ્રોલ રુમને જાણ કરવામાં આવી હતી. રુખડીયાપરા નદીના પટ્ટમાં બાળકની આંખો કાઢેલા અને વઢાયેલા માથા અંગે ડીસીપી રવિમોહન સૈની, બી ડિવિઝન પી.આઈ. આર.ઠાકર, રાઇટર ચંદ્રસિંહ ઝાલાઅને વિરમભાઇ ધગલ સહિતનો પોલીસ સ્ટાફ રુખડીયાપરામાં તપાસ અર્થે દોડી ગયા હતા.
પોલીસની તપાસ દરમિયાન નદીનાપટ્ટમાં પથ્થર પર આશરે ૧૦ થી ૧૫ વર્ષના બાળકનું તિક્ષ્ણ હથિયારથી કપાયેલી હાલતમાં માથુ મળી આવ્યું હતું. સાર્પ કટ્ટીંગ હોવાથી અંધશ્રધ્ધાના કારણે માસુમ બાળકની બલી ચડાવવા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાની શંકા સાથે પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
માસુમ બાળકની બે દિવસ પહેલાં હત્યા કરાયા બાદ વિધી પૂર્ણ કરીનદીના પટ્ટમાં માથુ ફેંકી દેવાની શંકા વ્યક્ત થઇ રહી છે. મૃતકની ઓળખ મળ્યા બાદ હત્યા કોને અને શા માટે કરી તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે. માસુમ બાળકનું માત્ર માથુ જ મળી આવ્યું હોવાથી પોલીસે મૃતકના ધડ અંગે પણ તપાસ હાથ ધરી છે. અને ડોગ સ્કવોડની મદદલઇ કયાં સ્થળે હત્યા થઇ છે તે અંગેના સગડ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. રુખડીયાપરામાં નજીકમાં જ સ્મશાન હોવાથી સ્મસાનમાં તાંત્રિક વિધી કરવામાં આવી હોવાની શંકા સાથે પોલીસે સ્મશાનમાં પણ તપાસ કરી હતી.