સામુહિક અપશબ્દ ન કહેવાના પ્રશ્ને બોલાચાલી બાદ રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કરી છરીના ઘા ઝીંકી દેતા યુવાન ગંભીર રીતે ઘવાયો
શહેરના પુષ્કરધામ રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે મિત્રના જન્મ દિવસની પાર્ટી અને કેક કાપતી વેળાએ સામુહિક અપશબ્દ બોલવાના પ્રશ્ને થયેલી બોલાચાલી બાદ રિવોલ્વરમાંથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ ત્રણ યુવાન પર છરીથી હુમલો થતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે બાર શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પરના ચિત્રકૂટધામ પાસે ભગતસિંહ ગાર્ડન નજીક ડેનિશ ભરતભાઇ દેસાણી નામના યુવાનનો જન્મ નિમિતે તન્મય ચોક ખાતે મિત્રો સાથે કેક કાપતી વેળાએ થયેલી બોલાચાલીમાં હાર્દિક દેસાણી, ડેનિશ દેસાણી, ઇશાંત જોષી, વિશાલ જોષી અને આઠ જેટલા અજાણ્યા શખ્સોએ ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી છરીથી હુમલો કરતા જયપાલસિંહ લાલુભા વાઘેલા, રજત ઘનશ્યામ ગોંડલીયા અને ઉમંગ ગોવિંદ પટેલ ઘવાતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ડેનિશ દેસાણીના જન્મ દિવસ નિમિતે મિત્રોને પાર્ટીમાં બોલાવ્યા હતા ત્યારે ડેનિશ દેસાણીનો ભાઇ હાર્દિક સામુહિક રીતે અપશબ્દ બોલતા ઉમંગ પટેલે તારે જેની સાથે વાંધો હોય તેને વ્યક્તિગત રીતે જ અપશબ્દ કહેવા જણાવતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ઇશાંત જોષી અને વિશાલ જોષી રિવોલ્વર લાવ્યા હતા અને તમામ મિત્રોને ડરાવવા માટે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી છરીના ઘા ઝીંકી દેતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
યુનિર્વસિટી પોલીસને ફાયરિંગની ઘટનાની જાણ થતા પી.આઇ. બી.બી.ગોયેલ સહિતના સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા અને ઘવાયેલા ત્રણેય યુવાનો પાસેથી વિગતો મેળવી તપાસ હાથધરી છે.