રૂડાનાં ટાઉન પ્લાનર તરીકે એમ.ડી.સાગઠિયાને ચાર્જ સોંપાયા બાદ અનેક પેન્ડિંગ ફાઈલોનો નિકાલ થયો: ચાર્જની મુદત વધારવા કે કાયમી ચાર્જ સોંપવા કરાઈ રૂડાનાં ચેરમેન બંછાનિધી પાનીને રજુઆત
રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (રૂડા)નાં ટાઉન પ્લાનરનો ચાર્જ મહાપાલિકાનાં ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાને સોંપવા અથવા ચાર્જની મુદત વધારવા આજે રાજકોટ બિલ્ડર એસોસીએશન સહિતની સંસ્થાઓ દ્વારા રૂડાનાં ચેરમેન બંછાનિધી પાનીને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.
ગત ૨૯મી એપ્રિલથી મ્યુનિસિપલ કમિશનર કમ રૂડાનાં ચેરમેન બંછાનિધી પાની દ્વારા રૂડાનાં ટાઉન પ્લાનરનો ચાર્જ મહાપાલકાનાં ટીપીઓ એમ. ડી. સાગઠીયાને સોંપવામાં આવ્યો હતો જેની મુદત આગામી ૨૩મી મેનાં રોજ પૂર્ણ થઈ રહી છે ત્યારે આજે રાજકોટ બિલ્ડર એસોસીએશનનાં પરેશભાઈ ગજેરા, રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સનાં ધનસુખભાઈ વોરા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનાં વી.પી.વૈષ્ણવ, રાજકોટ ક્ધસલન્ટીંગ સિવિલ એન્જીનીયર્સ એસોસીએશનનાં ધર્મેન્દ્રભાઈ મીરાણી, ધ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ આર્કિટેકટનાં મૌતિકભાઈ ત્રિવેદી, ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયન ઈન્ટીરીયલ ડિઝાઈનર્સનાં સૌરાષ્ટ્ર ચેપ્ટરનાં આનંદભાઈ શાહ તથા રિયલ એસ્ટેટ એજન્ટ એસોસીએશન ઓફ રાજકોટનાં દિપકભાઈ ઉનડકટ દ્વારા રૂડાનાં ચેરમેનને લેખિતમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, જયારથી રૂડાનાં ટાઉન પ્લાનરનો ચાર્જ એમ.ડી.સાગઠીયાને સોંપવામાં આવ્યો છે ત્યારથી અનેક પેન્ડીંગ પ્રશ્ર્નો અને ફાઈલોનો નિકાલ થયો છે.
ખુબ જ ઝડપથી કામગીરી ચાલી રહી છે. આગામી ૨૩મી મેનાં રોજ એમ.ડી.સાગઠિયાનો ‚ડાનો ટાઉન પ્લાનરનો ચાર્જ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે અમારી એવી માંગણી છે કે, તેઓને કાયમી ધોરણે રૂડાનાં ટાઉન પ્લાનરનો ચાર્જ સોંપી દેવો અથવા ચાર્જમાં વધારો કરવો.