કોર્પોરેશને પ્લોટ ફાળવ્યા બાદ વેપારીઓએ સફાઈ અને સિકયુરીટીની જવાબદારી સ્વયંભૂ ઉપાડી
શહેરના અલગ અલગ વિસ્તારોમાં મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલા હોકર્સ ઝોનને મોડેલ બનાવવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. દરમિયાન શહેરના કાલાવડ રોડ પર ગાયત્રી મંદિર સામે ‚ડા-૧માં આવેલ હોકર્સ ઝોન શહેરનો પ્રથમ મોડેલ હોકર્સ ઝોન બનશે જયાં કોર્પોરેશને પ્લોટ ફાળવ્યા બાદ વેપારીઓએ સફાઈ અને સિકયુરીટીની જવાબદારી સ્વયંભૂ ઉપાડી લીધી છે.
કાલાવડ રોડ પર ક્રિષ્ટલ મોલની નજીક જયોતીનગર મેઈન રોડ પર ઉભા રહેતા વેપારીઓને રૂડાનગર-૧માં સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ પ્લોટમાં પેવીંગ બ્લોક ફીટ કરાયા છે. પ્લોટમાં આવેલ કુવાને ફરતે રેલીંગ કરવામાં આવી છે. આજે વેપારીઓએ રૂબરૂ આવી હોકર્સ ઝોનમાં સુવિધા આપવા બદલ મેયર સહિતના મહાપાલિકાલના પદાધિકારીઓ અને અધિકારીઓનો આભાર માન્યો હતો. સાથો સાથ એવી બાંહેધરી આપી હતી કે હોકર્સ ઝોનના કારણે ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તે માટે તેઓ પોતાના ખર્ચે અહીં સિકયુરીટી ગાર્ડ રાખશે. સાથો સાથ ગંદકી પણ ન થાય તે માટે સફાઈનો ખર્ચ પણ ઉપાડી લેશે.