ટી.પી. સ્કીમ નં.૩૮/૨(મનહરપુર-રોણકી)નું ક્ષેત્રફળ ૨૯૩ હેકટર: ૧૨મી જાન્યુઆરીએ જમીન માલિકો સાથે બેઠક
“રૂડા” દ્રારા ટીપી નં.૩૮/૨ (મનહરપુર રોણકી)નો ઇરાદો જાહેર કર્યાના ૨૦ દિવસમાં જ ટી.પી. સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવાયો છે.આગામી ૧૨ જાન્યુઆરીના રોજ જમીન માલિકો સાથે હિયરીંગ રાખવામાં આવ્યું છે.તેમ રૂડાના ચેરમેન ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોનો ઝડપી અને સુનિયોજિત વિકાસ થાય અને તેના માધ્યમથી પ્રગતિની નવી નવી તકોનું નિર્માણ થાય તેમજ આ સમગ્ર કવાયતથી નાગરિકોના જીવનધોરણમાં ઉત્તરોત્તર સુધારો થાય અને તેઓની સુખાકારીમાં વૃદ્ધિ થાય તેવા આશયથી ટીપી સ્કીમો લગત કાર્યવાહી ખુબ જ ઝડપી બનાવવામાં આવેલ છે. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા પણ ટીપી સ્કીમ બનાવવા અંગેની પ્રક્રિયાને તેજ રફતારથી આગળ ધપાવામાં આવી રહી છે. “રૂડા”ના ચેરમેન ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સી.ઈ.એ. ચેતન ગણાત્રાએ “રૂડા”ની સૂચિત ટીપી નં.૩૮/૨ (મનહરપુર રોણકી)નો ઇરાદો તા.૧૫ ડિસેમ્બરના રોજ જાહેર કરી માત્ર ૨૦ અંદર નગર રચના યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કરી દેવાયો છે.આગામી તા.૧૨ના રોજ જમીન માલિકોની સભાનું આયોજન કરેલ છે.
“રૂડા”ની સૂચિત ટીપી નં.૩૮/૨ (મનહરપુર રોણકી)નું કુલ ક્ષેત્રફળ આશરે ૨૯૩ હેકટર જેટલું થાય છે. આ ટીપી સ્કીમ મંજુર થયેથી સમગ્ર વિસ્તારનો સુનિયોજિત ઢબે વિકાસ થઇ શકશે. બિનખેતી નહી થયેલા વિસ્તારોમાં રોડ રસ્તા અને કોમન પ્લોટ સુનિશ્ચિત કરી લેવાતા વિકાસ પ્રક્રિયાને ગતિ મળે છે.
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ તથા નિયમો-૧૯૭૯ની જોગવાઈ અનુસાર નક્કી કરેલ વિસ્તારની સૂચિત નગર રચના યોજના અંગે કલમ-૪૧(૧) હેઠળ મુખ્ય નગર નિયોજકશ્રીનો પરામર્શ મેળવી ઈરાદો જાહેર કરવાનો હોય છે. અધિનિયમની જોગવાઈ અનુસાર ઇરાદો જાહેર થયા બાદ નવ માસમાં ઉક્ત યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કરી કલમ-૪૨ અન્વયે ગેઝેટમાં તેની પ્રસિદ્ધિ કરવાની હોય છે.
મુખ્યમંત્રી દ્વારા રાજ્યના ઝડપી, સુઆયોજિત વિકાસને ધ્યાને લઈ છેલ્લા ત્રણ વર્ષમાં આશરે ૩૦૦ જેટલી નગર રચના યોજનાઓ મંજુર કરવામાં આવેલ છે. તેમના આ લક્ષ્યને સાકાર કરવાની દિશામાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના અધ્યક્ષ દ્વારા વિવિધ નગર રચના યોજનાઓની કામગીરી ઝડપથી થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપી ત્વરિત કાર્ય પ્રગતિ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. આ કવાયતના ભાગરૂપે “રૂડા”ના અત્યાર સુધીના સુધીના ઈતિહાસમાં ન થયેલ હોય તેટલી પુર ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી છે.
જમીન માલિકોની સભા બાદ એક માસ માટે વાંધા સુચનો મંગાવામાં આવશે. વાંધા સુચનોની ચકાસણી કર્યા બાદ નિયમોનુસાર કાર્યવાહી કરી સૂચિત ડ્રાફ્ટ સ્કીમ સરકારશ્રીમાં મંજૂરી અર્થે મોકલવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા ઝડપી હાથ ધર્યેથી ઇરાદો જાહેર કર્યાની તારીખથી આ વિસ્તારની વિકાસ પરવાનગીની કામગીરી કે જે સ્થગિત થયેલ છે તે સરકાર દ્વારા ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થયે પુન: શરૂ થઈ શકશે. જેના પરિણામ સ્વરૂપે વિકાસ પ્રક્રિયાને પણ વેગ પ્રાપ્ત થશે.