મ્યુનિસિપલ કમિશનર કમ રૂડાના ચેરમેન અમિત અરોરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બોર્ડ બેઠકમાં વિવિધ દરખાસ્તોને બહાલી: આવતા મહિને બોર્ડ બેઠક
એમઆઇજી કેટેગરી અંતર્ગત બનાવવામાં આવતા થ્રી બીએચકેના આવાસના ભાવમાં કોર્પોરેશન દ્વારા એક વર્ષ પૂર્વે 25 ટકાનો તોતીંગ ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે રૂડાએ પણ થ્રી બીએચકેના આવાસ લાભાર્થીઓને 24 લાખના બદલે 18 લાખમાં આપવાનો નિર્ણય કર્યો છે. આજે સવારે મળેલી બોર્ડ-બેઠકમાં આ અંગેની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની આજે 167મી બોર્ડ બેઠક ચેરમેન અમિત અરોરાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણધીન 192 એમઆઇજી પ્રકારના આવાસા નિયત લાભાર્થી ફાળા રૂા.24 લાખમાં રૂા.6 લાખનો ઘટાડો કરવા નિર્ણય કર્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જુદા-જુદા 9 સ્થળે 31 બોરની કામગીરી પીવાના પાણી માટે કામગીરી કરવા બહાલી આપી હતી.
રીંગરોડ-2 ફેઝ-3 ગોંડલ હાઇવેથી ભાવનગર હાઇવે સુધીના રસ્તાના પથરેખામા આવેલ હયાત રેલવે ફાટકને શીફ્ટ કરવા માટે રેલવે વિભાગને જરૂરી ડિપોઝીટ અને ડાયવર્ઝન માટે બહાલી આપવામાં આવી હતી. લાપાસરી ગામથી રીંગરોડ-2, ફેઝ-3 (75.0મી. ડી.પી. રોડ)ને જોડતા એપ્રોચ રસ્તાના ડામર કામને બહાલી આપવામાં આવી હતી. સત્તામંડળના સને-2021-22ના વાર્ષિક હિસાબોને બહાલી આપવામાં આવી હતી. સત્તામંડળનાં સમગ્ર શહેરીકરણ વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.40 (સોખડા-આણંદપર(નવાગામ))ની નકકી થયેલ ઔધ્યોગિક અને રહેઠાણ જોન મુજબ બે અલગ-અલગ ટી.પી. સ્કીમની સરકારશ્રીમાં દરખાસ્ત કરવા મંજુરી આપેલ છે.
પ્રપોસ રીંગરોડ ફેઝ-5 મોરબી રોડથી અમદાવાદ રોડ સુધીના રોડની બંને બાજુ 500 મીટરના વિસ્તારને અમલી દ્રિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-2031 માં ઝોન ફેર માટે દરખાસ્તને મંજુરી આપેલ છે. આ બોર્ડ બેઠકમાં રૂડાના ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, રૂડાના સી.ઈ.એ. આર.એસ.ઠુમર, કલેકટરના પ્રતિનિધિ તરીકે કે.જી. ચૌધરી, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે ડી.આર.પાઠક તથા કોર્પોરેશનના સીટી એન્જી. એચ.યુ.દોઢીયા હાજર રહેલ હતાં.