- અનઅધિકૃત વ્યક્તિઓને છાવરતો સ્ટાફ શિક્ષાત્મક કાર્યવાહી માટે તૈયાર રહે : શાનમાં સમજી જવા ચેતવણી
વારંવાર સર્વરના ધાંધિયાને લઇ ચર્ચામાં રહેતી આરટીઓ કચેરી વધુ એકવાર ચર્ચામાં આવી છે. આરટીઓ કચેરીમાં આમ તો એજન્ટ પ્રથા કાગળો પર નાબૂદ થઇ ચુકી છે પણ તેમ છતાં સેટિંગીયા શખ્સો સ્ટાફ સાથે સાંઠગાંઠ કરી પોતાના કામ કરાવી જ લેતા હોય છે અને બદલામાં સ્ટાફનું મોઢું પણ ’મીઠું’ કરાવી જ દેતા હોય છે ત્યારે રાજકોટની આરટીઓ કચેરીમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશથી માંડી છાવરતા સ્ટાફને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હોય અને શાનમાં સમજી જવા આદેશ આપવામાં આવ્યો હોય તેવું કચેરીના જ વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે.
આરટીઓ કચેરીના વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે રાજકોટ આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા આરટીઓ ઇન્સ્પેક્ટરો, લાયસન્સ વિભાગના કર્મચારીઓ સહીત લગભગ તમામ વિભાગના કર્મચારીઓની લગભગ રોલકોલ જેવી મિટિંગ આરટીઓ કે એમ ખપેડ દ્વારા બોલાવવામાં આવી હતી. અંદાજિત સવારે 11 થી 12 વાગ્યાં આસપાસ બોલાવવામાં આવેલી આ બેઠકમાં પ્રથમ સ્ટાફ સાથે કામગીરી, ટેસ્ટ ટ્રેક, અરજદારો પ્રત્યેનો વ્યવહાર સહીતની બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ સૂચનો આપવામાં આવ્યા હતા.
ત્યારબાદ બેઠકમાં એકાએક કહેવામાં આવ્યું હતું કે, આ કચેરીમાં આવતા અનઅધિકૃત વ્યક્તિઓને છાવરવાનું બંધ કરી દેજો. સરકારી કચેરીમાં ગેરકાયદે પ્રવેશ મેળવીને કચેરીમાં જ આખો દિવસ પડ્યા પાથરેલા રહેતા શખ્સોને છાવરતા સ્ટાફને અંતિમ વોર્નિંગ આપતાં જો નહિ સમજો તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવી સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી હતી.
આ બેઠકમાં એકાએક આપવામાં આવેલી આ ચેતવણી સમગ્ર સ્ટાફમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કોણ અનઅધિકૃત વ્યક્તિને છાવરી રહ્યું છે? વચેટિયાઓ સાથે સાંઠગાંઠ કોની? આરટીઓ ઇન્સ્પેક્ટરે શા માટે આવા શબ્દો ઉચ્ચરવા પડ્યા? આ તમામ પ્રશ્નોનો સ્ટાફમાં ભારે ગણગણાટ છે.
હવે જયારે આરટીઓ ઇન્સ્પેક્ટરને સ્ટાફને આવી સૂચના આપવી પડતી હોય ત્યારે ચોક્કસ સમજી શકાય છે કે આ બધું બોલવાની જરૂરિયાત ક્યારે ઉભી થઇ હશે. અગાઉ ભારે વાહનના માલિકો પાસે આરટીઓનો સ્ટાફ હપ્તા ઉઘરાવતો હોય તેવા આક્ષેપ સાથેના કથિત વિડીયો પણ વાયરલ થઇ ચુક્યા છે તેમજ આરટીઓ ઇન્સ્પેક્ટર પર હુમલાની ઘટનાઓ પણ બની ચુકી છે ત્યારે વધુ એક સરકારી કચેરીમાં ભ્રસ્ટાચારરૂપી ગંધ ચોક્કસ આવી રહી છે.
અગાઉ આરટીઓ ઇન્સ્પેક્ટર હપ્તા ઉઘરાવતા હોય તેવા આક્ષેપ સાથેના વીડિયો થયાં’તા વાયરલ
અંદાજિત 6 માસ પૂર્વે આરટીઓ કચેરીના કર્મચારીઓ રાત્રીના સમયગાળા દરમિયાન ચેકીંગમાં હતા. ત્યારે ડમ્પરના માલિકો કુવાડવા ચેકપોસ્ટ ખાતે ધસી આવ્યા હતા અને હપ્તા વધારવા માટે હેરાનગતિ કરો છો તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આરટીઓ સ્ટાફનો ઘેરાવો કરીને બનાવવામાં આવેલા વિડીયોમાં આ બધા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો.