છેલ્લા છ મહિનામાં વેચેલા ૫૮૦૦ વાહનોના રજિસ્ટ્રેશનના ડોકયુમેન્ટ ન મોકલતા વિક્રેતાઓ સામે આરટીઓની કડક કાર્યવાહીથી ફફડાટ
રાજકોટમાં છેલ્લા છ મહિનામાં ૧૫ વાહન વિક્રેતાઓએ ૫૮૦૦ જેટલા વાહનો વેંચયા હતા. આ વાહનોના જ‚રી રજિસ્ટ્રેશનના ડોકયુમેન્ટ આરટીઓની પહોંચાડવામાં આવ્યા ન હોવાથી આરટીઓ દ્વારા કડક વલણ દાખવી આ ૧૫ વાહન વિક્રેતાઓની આઈડી સસ્પેન્ડ કરી નાખી છે. આઈડી બ્લોક થઈ જતા હવે આ ૧૫ વાહન વિક્રેતાઓ વાહનોનું વેંચાણ કરી શકશે નહીં. આરટીઓની આ કડક કાર્યવાહીથી વાહન વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ શહેર અને જિલ્લા વિસ્તારમાં નવા વાહન ખરીદનાર વાહન ચાલકોના વાહનોનું રજિસ્ટ્રેશન, પાર્સીંગ લાંબા સમય સુધી થતું ન હોવાની વાહન ચાલકોની બુમરાણ ઉઠી હતી. ઉપરાંત આરટીઓની ધીમી કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠયા હતા. પરંતુ બાદમાં આરટીઓ દ્વારા વાહન વ્રિકેતાઓને રજિસ્ટ્રેશનના કાગળો જમા કરાવવા માટે મીટીંગ, કોલીંગ અને ઈ-મેઈલ મારફતે જાણ કરવામાં આવી હતી તેમ છતાં ૧૫ ડિલરોએ ગંભીરતા ન દાખવી ૫૮૦૦ જેટલા નાના મોટા વાહનોના રજિસ્ટ્રેશનના ડોકયુમેન્ટ પહોંચાડયા ન હતા. આ વાહન રજિસ્ટ્રેશન થયા વગર રોડ પર દોડતા હતા ત્યારે આરટીઓએ કડક વલણ દાખવીને આ ૧૫ ડિલરોની આઈડી સસ્પેન્ડ કરી નાખી છે જેથી તેઓ હવે વાહન વેંચી શકશે નહીં.
આ ૧૫ ડિલરોને કરાયા સસ્પેન્ડ
આરટીઓમાંથી મળતી માહિતી મુજબ ધરતી ઓટો મોબાઈલ્સ, પંજાબ ઓટો મોબાઈલ્સ, સીડ્ઝ મોટર્સ પ્રા.લી., એકયુરેટ મોટર્સ, ગુજરાત પ્રા.લી., પરફેકટ ઓટો સર્વિસ (હિરો), આન ઓટો મોબાઈલ્સ, જયકાય ઓટોમોટીવ, અતુલ મોટર્સ પ્રા.લી., આઈબી મોટર્સ, પરફેકટ ઓટો સર્વિસ (મારૂતી), દેવ મોટર્સ, સુમન ઓટો, શિવાલીક આઈબી ઓટોમાર્ક પ્રા.લી., ઈક્વિટ મોટર્સ પ્રા.લી.અને એવરેસ્ટ ઓટો વિગ્સ સહિતના ડિલરોના આઈડી સસ્પેન્ડ કરાયા છે.