ખાનગી બસમાં વધારે પેસેન્જર બેસાડવા બાબતે 4 હજારની લાંચ લેતા પકડાયા
રાજકોટમાં 11 વર્ષ પૂર્વે ખાનગી બસના કંડકટર પાસેથી રૂ.4 હજારની લાંચ લેતા ઝડપાયેલા આર.ટી.ઓ. ઈન્સ્પેકટરને કોર્ટે તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ વર્ષ 2011 માં થાનગઢથી રાજકોટ તરફ આવી રહી હતી ત્યારે રાજકોટની ભાગોળે આર.ટી.ઓ.માં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સેમસન ખ્રિશ્ચને ખાનગી બસ રોકી બસમાં મર્યાદા કરતા વધુ પેસેન્જર બેસાડવા બદલ કેસ ન કરવા દર માસના રૂ.5 હજારની માંગણી બસના કંડકટર પાસે કરી હતી. તે સમયે કંડકટર પાસે રકમ ન હોવાથી તેઓએ ઈન્સ્પેકટરને રૂા.1,000 આપેલા હતા અને તે માસના બાકીના હપ્તા પેટે રૂ.4 હજાર ચૂકવી જવાનું કહ્યું હતું. કંડકટરે માલિકને આ અંગે જાણ કરતા ફરીયાદીએ લાંચરૂશ્વત વિરોધી ધારા હેઠળ આરોપી વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
આ ફરીયાદના આધારે અમદાવાદ એ.સી.બી.ની ટીમે રાજકોટ ખાતે આવી છટકું ગોઠવી આર.ટી.ઓ. ઈન્સ્પેકટર સેમસન ખ્રિશ્ચન આર.ટી.ઓ. કચેરીની બહાર ગ્રીનલેન્ડ ચોકડી પાસે પાનની દુકાનેથી ફરીયાદી પાસેથી લાંચ સ્વિકારતા ઝડપાઇ ગયા હતા. જે કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ દલીલો અને રજૂ રાખેલા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઇ ખાસ અદાલતના સેશન્સ જજ બી.બી. જાદવએ લાંચના ગુનામાં ઝડપાયેલા આરોપી આર.ટી.ઓ. ઈન્સ્પેકટર સેમસન ખ્રિશ્ચનને ત્રણ વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો છે.