અકસ્માતની હારમાળા સર્જનાર ટ્રક ચાલકે ત્રણ કાર અને બે બાઇકને ફંગોળ્યા
માતાજીના દર્શન કરી પરત ફરતા પત્નીની નજર સામે જ પતિને કાળ આંબી ગયો
રાજકોટ પાસે ત્રંબા ગામ નજીક બેકાબુ બનેલા ટ્રક ચાલકે અકસ્માતની હારમાળા સર્જી ત્રણ કાર અને બે બાઇકને ઠોકરે લેતા ઢાંઢીયા ગામે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા અમદાવાદ આરટીઓ ઇન્સ્પેકટરનું મોત નિપજવી હિટ એન્ડ રન ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં નાનામવા સર્કલ પાસે શ્રીરાજ રેસીડેકીસીમાં રહેતા અને અમદાવાદ આરટીઓ આસ્સ્ટિન્ટ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા નિલેશભાઇ વિનોદભાઇ કોઠારી નામના ર૯ વર્ષના યુવાન પત્ની અને નાનાભાઇના પરિવાર સાથે ઢાંઢીયા ગામે માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પોતાની કારમાં પરત આવી રહ્યા હતા ત્યારે ત્રંબા મેઇન રોડ પર એક દુકાન પાસે બાળકો માટે નાસ્તો લેવા ઉભા હતા ત્યારે કાળમુખો ટ્રક બેકાબુ બની ઇન્સ્પેકટરની કાર ઉપરાંત વેગેનાર સ્વીફટ અને અન્ય બે બાઇકને ઠોકર મારી હતી.
અકસ્માતની હારમાળામાં ગંભીર રીતે ઘવાયેલા આરટીઓ ઇન્સ્પેકટર નીલેશભાઇ કોઠારીને તાત્કાલીક સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. જયારે તેમના નાનાભાઇ હિરેનના પત્ની શ્ર્વેતાબેનને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે મૃતકના પત્નિ મીરાબેન અને નાનાભાઇ સહિત બે બાળકોનો બચાવ થયો હતો.
રાજકોટનો પરિવાર ઢાંઢીયા માતાજીના દર્શન કરી પરત ફરતા હતા તે દરમિયાન જ પત્નિીની નજર સામે જ પતિને કાળ આંબી જતા અરેરાટી મચી જવા પામી છે. જયારે આરટીઓ બેડામાં પણ શોકનો માહોલ છવાઇ રહ્યો છે.
ધટનાની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકનો સ્ટાય હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે અકસ્માતની હારમાળા સર્જનાર ટ્રક ચાલકને ઝડપી પાડયો હતો. ટ્રકની બ્રેક ફેઇલ થઇ જતા અકસ્માત સર્જાયાની કબુલાત ચાલકે આપી હતી પોલીસે આ બાબતે નોંધ કરી ટ્રકની તપાસ પણ હાથ ધરી છે.