રાઈટ ટુ એજયુકેશન હેઠળ પ્રવેશથી વંચિત અને ફી નિર્ધારણ કાયદા મુદ્દે વાલીઓ અને કોંગ્રેસ દ્વારા ડીઈઓ કચેરીએ વિરોધ પ્રદર્શન: અન્નજળનો ત્યાગ અને હવન કરાયા
રાઈટ ટુ એજયુકેશન હેઠળ પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં સમાવવા અને ફિ નિર્ધારણના કાયદાને લઈ શહેરમાં ઘણા દિવસોથી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે સવારે કોંગ્રેસ કમિટી અને વાલીઓએ મળીને ધરણા તેમજ મંત્રોચ્ચાર સાથે હવન કરી આક્રોશ વ્યકત કર્યો હતો.
છેલ્લા પાંચ દિવસથી શહેરની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કોંગ્રેસ કમિટી અને વાલીઓ દ્વારા આરટીઈ અંતર્ગત પ્રવેશ અને ફિ નિર્ધારણ કાયદા અંગે અવનવા કાર્યક્રમો કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં રાઈટ ટુ એજયુકેશન હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં સરકારી તંત્ર ઉદાસીન વલણ અપનાવતું હોવાનું બહાર આવતા આજે કોંગ્રેસ દ્વારા ડીઈઓ કચેરીમાં મંત્રોચ્ચાર સાથે હોમહવન કરવામાં આવ્યો હતો.
દરરોજ જુદા-જુદા મુદાઓને લઈને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ રજુઆત કરવા જતા કોંગ્રેસના આગેવાનો અને વાલીઓએ આજે ડીઈઓ કચેરી બહાર ધરણા પ્રદર્શન અને અન્નજળનો ત્યાગ કરી સુત્રોચ્ચાર કર્યા હતા. અગાઉ કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં બોર્ડ તોડી ડીઈઓને જોડા બતાવી વિરોધ પ્રદર્શન કરાયું હતું.
રાઈટ ટુ એજયુકેશન હેઠળ શહેરની ઘણી બધી શાળાઓ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં મનમાની કરી રહી છે ત્યારે બીજીબાજુ સરકાર પણ જાણે લાચાર હોય તેવું વલણ અપનાવી રહી છે.
કોંગ્રેસે અને વાલીઓએ જણાવ્યું છે કે સરકારનો નિયમ છતાં શાળાઓ પોતાની મનમાની કરી રહી છે ત્યારે તંત્ર આવી શાળાઓ સામે કયારે ધોકો પછાડશે ? આવતા દિવસોમાં વિદ્યાર્થીઓને રાઈટ ટુ એજયુકેશન હેઠળ પ્રવેશ અને ફિ નિર્ધારણ મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલન અને આશ્ર્ચર્યજનક કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
ફરિયાદ સેલના પ્રમુખ રણજીતભાઈમુંધવાએ જણાવ્યું હતું કે, આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. અન્નજળ ત્યાગ કરી રાજકોટના વિદ્યાર્થીઓને આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવામાં નથી આવતો અને નો એડમિશન ઝોનમાં મુકવામાં આવ્યા છે. વાલીઓ પાસે પુરાવા હોય પણ પુરાવાના આધારે તમામ લોકો પાસે રોકડ લઈ તમામને મુર્ખ બનાવામાં આવી છે. લોકોને એડમિશન નહી અપાતા જેના વિરોધમાં અમો બેઠા છીએ આવનારા દિવસોમાં રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા વધુ વિરોધ કરવામાં આવશે. આજરોજ વિરોધ કરી સદબુદ્ધી હવન કરવામાં આવ્યો છે અને શિક્ષણ મંત્રી તેમજ રાજકોટ ડીઈઓને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે હવન કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ અગ્રણી ગોપાલભાઈ અનડકટે વધુમાં જણાવતા કહ્યું હતું કે રાજકોટ વિધાનસભા ૭૦ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરી હવનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ગરીબોને જયાં સુધી અન્યાય થતો રહેશે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે. ભાજપ સરકારને ગરીબોના મત માંગતા શરમ નથી આવતી તો એડમિશન દેવામાં કેમ શરમ આવે છે અને આરટીઈ મુજબ વિદ્યાર્થીને જે ૩ કિમીનો એરીયા નકકી કરવામાં આવ્યો છે. તેમ) કોઈને ૬ કિમી કોઈને ૭ કિમીમાં શાળાનું એડમીશન અપાયું છે અને ૩૨૦૦ વિદ્યાર્થીને અલગ મુકવામાં આવ્યા છે તો જેને ૭ કિમી દુર શાળામાં એડમિશન મળ્યું છે તે કઈ રીતે શાળા જેને સરકાર ખરેખર કોઈ ધ્યાન નથી આપતું તંત્રને જવાબ દેવો પડશે અને અમારી એવી માંગ છે કે જેને ૩ કિમી દુર શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે તો તેને નજીકની શાળા મળે નહીં તો ભવિષ્યમાં હજુ વધુ ઉગ્ર આંદોલન થશે.