વિધાર્થીઓએ આગામી 30 જૂન સુધીમાં શાળાએ જઈને પ્રવેશ સુનિશ્ચિત કરવાનો રહેશે

આરટીઇ એક્ટ-૨૦૦૯ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ અને બીજો રાઉન્ડ જાહેર કરાયા બાદ ગઈકાલે મોડી સાંજે ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં ૫૯,૮૬૯ જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. જેમાંથી ૫૧,૫૨૦ જેટલા વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલી શાળાઓમાં પ્રવેશ નિયત કરી લીધો છે.આરટીઇ પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજા રાઉન્ડ ગઈકાલે જાહેર કરાયો હતો જેમાં વધુ ૧,૩૮૬ જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.

ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા.૩૦/૦૬/૨૦૨૩, શુક્રવાર સુધીમાં સંબંધિત શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે એમ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર પ્રથમ અને બીજા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલી ૩૧,૬૦૯ જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને આરટીઇ હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પુનઃ પસંદગીની તક આપવામાં આવી હતી.

પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા ૮,૩૧૯ અરજદારોને શાળાઓની તા. ૧૯/૦૬/૨૦૨૩ થી તા. ૨૧/૦૬/૨૦૨૩ દરમિયાન પુનઃ પસંદગીની તક આપવામાં આવી હતી. આ સમયગાળામાં એકંદરે કુલ ૩,૪૮૭ અરજદારોને શાળાઓની પુનઃ પસંદગી કરી હતી. જ્યારે બાકીના ૪,૮૩૨ અરજદારોએ પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલ ફોર્મની શાળાઓ યથાવત રાખી હતી તેમ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.