યુનિવર્સિટીમાં કોઈ પણ ભેદભાવ વગર તમામ સમુદાયના છાત્રો પ્રવેશ મેળવી શકશે

વિદ્યા ભારતી, આરએસએસ બોર્ડ જે અનેક શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરે છે, તેણે દેશના વિવિધ ભાગોમાં પાંચ યુનિવર્સિટીઓ સ્થાપવાનું નક્કી કર્યું છે.

સંગઠન પહેલાથી જ પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સાથે સંકળાયેલું છે અને હવે તેમની સંસ્થા દ્વારા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.આ વાતનો ખુલાસો વિદ્યા ભારતીના રાષ્ટ્રીય સહ-સંગઠન સચિવ યતીન્દ્ર શર્માએ શનિવારે હરિદ્વાર સ્થિત એક કાર્યક્રમ દરમિયાન કર્યો હતો. શિક્ષણમાં સકારાત્મક ફેરફારો લાવવાનો તેઓનો ઉદેશ છે તેમ શર્માએ શનિવારે અહીં જણાવ્યું હતું. ઉચ્ચ શિક્ષા સંસ્થાએ ગયા વર્ષે 125 એકરના વિશાળ કેમ્પસમાં બેંગલુરુમાં ચાણક્ય યુનિવર્સિટી ખોલી છે, જ્યારે ગુવાહાટીમાં બીજી એક શરૂ થઈ રહી છે, શર્માએ ઉમેર્યું હતું કે, “આરએસએસ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ તમામ વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે. તેમની જાતિને ધ્યાનમાં લીધા વિના અહીં પ્રવેશ આપવામાં આવશે.

બેંગલુરુ યુનિવર્સિટીની પ્રથમ બેચમાં કુલ 200 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.આરએસએસ દ્વારા સંચાલિત બેંગલુરુની ચાણક્ય યુનિવર્સિટીમાં વિદ્યા ભારતી શાળાઓના પચાસ હોંશિયાર વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવશે.

હાલમાં, 29,000 આરએસએસ શાળાઓમાં 31 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.  તેમની પાસે લગભગ 1,50,000 શિક્ષકો છે, તેમણે કહ્યું, આરએસએસ સંચાલિત સંસ્થાઓમાં મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયોના વિદ્યાર્થીઓની સારી સંખ્યા પણ છે. તેમણે કહ્યું કે, વિદ્યા ભારતી ઉત્તરાખંડના દરેક જિલ્લામાં એક મોડલ સ્કૂલ શરૂ કરવા માટે તૈયારી કરી રહી છે.

ઉત્તરાખંડના શિક્ષણ મંત્રી ધન સિંહ રાવતે કહ્યું, પ્લેસ્કૂલ સ્તરે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરનાર ઉત્તરાખંડ પહેલું ભારતીય રાજ્ય છે.  તેણે ઉચ્ચ શિક્ષણમાં એનઇપી દાખલ કરવાનો પણ નિર્ણય કર્યો છે અને આ હેતુ માટે 57 બેઠકો યોજી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.